Navsari News: પાક બચાવવા ખેતરમાં મુકેલા કરંટથી પશુપાલક સહિત 3 ભેંસોના મોત
ગુજરાતમાં પાકના રક્ષણ માટે ખેતરોની ફરતે ગેરકાયદેસર વીજ કરંટ મૂકવાની લાપરવાહી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સાગરા ગામમાં ખેતરમાં મૂકવામાં આવેલા લાઈવ વીજ કરંટના કારણે એક પશુપાલક સહિત ત્રણ ભેંસોના કરુણ મોત નીપજ્યા છે. આ આઘાતજનક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ચોળીનો પાક બચાવવા કરંટ મૂક્યો હતો ઘટનાની મળતી માહિતી અનુસાર, સાગરા ગામના સ્થાનિક ખેડૂત રાજુ પટેલે પોતાના ખેતરમાં વાવેલા ચોળીના પાકને પશુઓ કે અન્ય જાનવરો નુકસાન ન પહોંચાડે તે માટે ખેતરની ફરતે લોખંડના તારનું ફેન્સિંગ કર્યું હતું. આ પાકના રક્ષણ માટે ખેડૂતે ક્રૂરતા અને બેદરકારી દાખવીને ફેન્સિંગના તારમાં જીવતો વીજ કરંટ છોડી મૂક્યો હતો. અજાણ પશુપાલક કાળનો કોળિયો બન્યો બીજી તરફ, નજીકના છીણમ ગામના પશુપાલક વસંતભાઈ રાઠોડ દરરોજની જેમ પોતાની ભેંસો ચરાવવા માટે નીકળ્યા હતા. સાગરા ગામના આ ખેતર નજીકથી પસાર થતી વખતે તેઓ આ ગેરકાયદેસર કરંટથી તદ્દન અજાણ હતા. ભેંસો ચરતા ચરતા તાર ફેન્સિંગ નજીક પહોંચતા જ તેને જોરદાર વીજ ઝાટકો લાગ્યો હતો. પોતાની ભેંસોને બચાવવા જતાં પશુપાલક વસંત રાઠોડ પણ લાઈવ કરંટની ચપેટમાં આવી ગયા હતા. વીજ કરંટ એટલો જોરદાર હતો કે, પશુપાલક વસંતભાઈ અને તેમની ત્રણ ભેંસોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. મરોલી પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મરોલી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ખેતરમાં ગેરકાયદેસર કરંટ મૂકનાર ખેડૂત સામે સઅપરાધ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પાક બચાવવાની લ્હાયમાં એક નિર્દોષ માનવજીવ અને મૂગા પશુઓનો બળિ લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Navsariની ગણદેવી નગરપાલિકા પર ભાજપનો કબજો, જુઓ VIDEO
Read Full Story arrow_forward