Rajkot : વીરપુર સ્ટેશને રોષે ભરાયેલા મુસાફરોએ 15 મિનિટ સુધી ટ્રેન રોકી મચાવ્યો ભારે હોબાળો, પોલીસ દોડી ગઈ
રાજકોટ જિલ્લાના વીરપુર રેલવે સ્ટેશન પર આજે મુસાફરોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. રાજકોટ-સોમનાથ લોકલ ટ્રેન દરરોજ મોડી આવતી હોવાના કારણે અને ટ્રેનમાં અપૂરતા ડબ્બાઓને લીધે સર્જાતી ભારે ભીડથી કંટાળેલા અપડાઉન કરતા મુસાફરોએ આજે રેલવે પ્રશાસન સામે મોરચો માંડ્યો હતો. ગુસ્સે ભરાયેલા મુસાફરોએ વીરપુર સ્ટેશન પર ટ્રેનને અટકાવી દઈને અંદાજિત 10 થી 15 મિનિટ સુધી જોરદાર હોબાળો મચાવ્યો હતો, જેના કારણે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.ટ્રેન રોજ મોડી આવતી હોવાથી મુસાફરો પરેશાન સ્થાનિક રોજિંદા અપડાઉન કરતા મુસાફરોનો દાવો છે કે રાજકોટ - સોમનાથ લોકલ ટ્રેન ક્રોસિંગના બહાને અથવા અન્ય કારણોસર દરરોજ મોડી દોડે છે. ટ્રેન સમયસર ન આવવાના કારણે નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓ પોતાના નિયત સ્થળે સમયસર પહોંચી શકતા નથી. આ ઉપરાંત, આ ટ્રેનમાં મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં કોચ ખૂબ જ ઓછા છે. કોચ ઓછા હોવાના કારણે ટ્રેનમાં અસહ્ય ટ્રાફિક અને ભીડ થાય છે, જેના લીધે મહિલાઓ અને વૃદ્ધો સહિતના તમામ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેન રોકીને વિરોધ પ્રદર્શિત કર્યો મુસાફરોએ આક્ષેપ કર્યો છે કે ટ્રેનનો સમય નિયમિત કરવા અને ટ્રેનમાં કોચની સંખ્યા વધારવા માટે અગાઉ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ જ નક્કર નિરાકરણ લાવવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ કંટાળેલા મુસાફરોએ આ જ પ્રકારે ટ્રેન રોકીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આખરે પોલીસે મામલો થાળે પાડ્યો આજના હોબાળાની તીવ્રતા જોતાં વીરપુર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક રેલવે સ્ટેશન ખાતે દોડી ગયો હતો. પોલીસે ગુસ્સે ભરાયેલા મુસાફરોને સમજાવી, રેલવે સત્તાધીશો સુધી તેમની માંગણીઓ પહોંચાડવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ ૧૫ મિનિટ મોડી પડેલી ટ્રેનને આગળ જવા માટે રવાના કરાવી હતી. આ પણ વાંચો---- Vadodara : MLA અક્ષય પટેલના પુત્ર રિશી પટેલ સહિત 5 સામે ગુનો દાખલ, ડીઝલ ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો આરોપ
Read Full Story arrow_forward