Bengal માં રહેવું હોય તો નિયમો માનવા પડશે, નહીં તો 55 ઇસ્લામિક દેશો ખુલ્લા છે જઇ શકો છોઃ અગ્નિમિત્ર પોલ
પશ્ચિમ બંગાળના રાજકારણમાં પશુ કતલ અને સરહદી સુરક્ષાના નિયમોને લઈને શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે. તાજેતરમાં સુવેન્દુ અધિકારી સરકારના મંત્રી અગ્નિમિત્ર પોલે વિપક્ષી નેતા હુમાયુ કબીરના એક વિવાદાસ્પદ નિવેદન પર આકરો પલટવાર કર્યો છે. અગ્નિમિત્ર પોલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો હુમાયુ કબીર ભારતમાં રહેવા માંગતા હોય, તો તેમણે એક સાચા ભારતીય નાગરિક તરીકે વર્તવું પડશે અને દેશના બંધારણ તેમજ કાયદાઓનું સન્માન કરવું પડશે. "નિયમો ન ગમે તો વિદેશ જઈ શકો છો" આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે હુમાયુ કબીરે રાજ્યમાં સુવેન્દુ સરકાર દ્વારા કડક રીતે લાગુ કરવામાં આવેલા પશુ કતલ સંબંધિત નિયમોનો વિરોધ કર્યો હતો. આ અંગે સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા મંત્રી અગ્નિમિત્ર પોલે જણાવ્યું કે, આ નિયમો કોઈ નવા નથી પરંતુ અગાઉથી જ અસ્તિત્વમાં હતા, વર્તમાન સરકારે માત્ર તેનો કડક અમલ શરૂ કરાવ્યો છે. તેમણે હુમાયુ કબીર પર આકરા પ્રહારો કરતા કહ્યું, "શ્રી હુમાયુ કબીર, જો તમારે બંગાળમાં વસવાટ કરવો હોય, તો અહીંના કાયદાઓ અને BNS (ભારતીય ન્યાય સંહિતા) ના નિયમોનું પાલન કરવું જ પડશે. જો તમને આ કાયદાઓ મંજૂર ન હોય, તો તમે ભારતના અન્ય કોઈ પણ રાજ્યમાં જવા માટે મુક્ત છો. અને જો ભારતમાં પણ રહેવું ન હોય, તો દુનિયામાં ૫૫ થી ૫૬ ઇસ્લામિક દેશો આવેલા છે, તમે ત્યાં જઈ શકો છો." ઘૂસણખોરો સામે સુવેન્દુ સરકારનો નવો આદેશ આ વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પણ સરહદી સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે એક મોટી અને કડક નીતિની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પકડાતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેની પ્રક્રિયામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. હવેથી ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને આવતા લોકોને સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને લાંબી કાનૂની પ્રક્રિયા કરવાને બદલે, સીધા જ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ને સોંપી દેવામાં આવશે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પોલીસ કમિશનર અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ને કડક સૂચના આપતા કહ્યું છે કે, જો હાવડા કે અન્ય કોઈ વિસ્તારમાં એવા બાંગ્લાદેશી નાગરિકો પકડાય જેઓ CAA (નાગરિકતા સુધારો અધિનિયમ) હેઠળ નાગરિકતા મેળવવાને પાત્ર નથી, તો તેમને કોર્ટમાં મોકલવાની જરૂર નથી. પ્રશાસન દ્વારા આવા લોકોને પૂરતું ભોજન પૂરું પાડવામાં આવશે અને ત્યારબાદ તાત્કાલિક ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બોનગાંવ સ્થિત પેટ્રાપોલ સરહદ અથવા બશીરહાટની બોર્ડર ચોકી પર જઈને BSF ના અધિકારીઓને હવાલે કરી દેવામાં આવશે. સરકારના આ કડક વલણને કારણે આગામી દિવસોમાં બંગાળનું રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતા છે. આ પણ વાંચોઃ Pregabalin દવાનો નશા તરીકે દુરુપયોગ રોકવા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં!
Read Full Story arrow_forward