Anand News: ઉમરેઠ પાસે હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત
આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાંથી હૃદયને હચમચાવી મૂકે તેવી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અહીંના ભાલેજ-ડાકોર હાઈવે રોડ પર પૂરઝડપે પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહને રસ્તા પર જઈ રહેલા નિર્દોષ રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ગંભીર ઈજાઓ થવાના કારણે રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.તાડપુરા ચોકડી પાસે કાળ ભેટી ગયો ઘટનાની મળતી વિગતો અનુસાર, આ અકસ્માત ઉમરેઠ નજીક ભાલેજ-ડાકોર રોડ પર આવેલી તાડપુરા ચોકડી પાસે સર્જાયો હતો. એક વ્યક્તિ રસ્તા પરથી પગપાળા પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક મોત બનીને આવેલા કોઈ અજાણ્યા વાહનચાલકે તેને જોરદાર અડફેટે લીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી બારોબાર ફરાર થઈ ગયો હતો. લોકટોળા ઉમટ્યા, પોલીસ તપાસ શરૂ અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં રાહદારી દમ તોડી ચૂક્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ભાલેજ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી લીધો છે. હાલમાં હાઈવેની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Anand : ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરની વિવિધ રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના એકમોને ત્યાં સઘન તપાસ, વેપારીઓમાં ફફડાટ
Read Full Story arrow_forward