android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Uttar Pradesh : પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ભીષણ માર્ગ અકસ્માત, 5 લોકોના થયા મોત
calendar_today May 16, 2026

Uttar Pradesh : પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ભીષણ માર્ગ અકસ્માત, 5 લોકોના થયા મોત

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ફૂલ સ્પીડમાં દોડી રહેલી કારના ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં ઊભા રહેલા કન્ટેનર સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે કારમાં સવાર તમામ લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી આ અકસ્માત કંધરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના માઈલસ્ટોન 238 પાસે થયો હતો. માહિતી અનુસાર, હરિયાણા નંબરની સ્વિફ્ટ ડિઝાયર કાર મઉથી લખનઉ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને કાર સીધી રસ્તા કિનારે ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. મૃતકોમાં બે મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસ ક્રેનની મદદથી નુકસાનગ્રસ્ત કારને હટાવવાની કામગીરી કરી રહી છે, જેથી ટ્રાફિક ફરીથી સામાન્ય થઈ શકે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડ્રાઈવરને શક્ય છે કે ઊંઘ આવી ગઈ હોય, જેના કારણે કાર અનિયંત્રિત બની ગઈ હતી. હાલ પોલીસે અકસ્માતના સાચા કારણોની તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Indian Army:નકશામાં રહેવું છે કે ઇતિહાસ બનવું છે, પાકિસ્તાનને ભારતીય આર્મી ચીફની ચેતવણી

Read Full Story arrow_forward
ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે માનહાનિનો ગુનો નોંધવા Surat કોર્ટનો હુકમ
calendar_today May 16, 2026

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે માનહાનિનો ગુનો નોંધવા Surat કોર્ટનો હુકમ

બોલિવૂડના જાણીતા અને વિવાદિત ફિલ્મ ડિરેક્ટર તેમજ લેખક અનુરાગ કશ્યપ કાયદાની જાળમાં ફસાયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાહ્મણ સમાજ વિરૂદ્ધ અભદ્ર અને વાંધાજનક ટિપ્પણી કરવાના મામલામાં સુરત કોર્ટે ડિરેક્ટર વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે. સુરત કોર્ટે અનુરાગ કશ્યપ સામે માનહાનિનો ગુનો નોંધવાનો ઐતિહાસિક હુકમ કરી સમન્સ પાઠવ્યું છે, જેના કારણે હવે તેમને સુરત કોર્ટમાં રૂબરૂ હાજર થવું પડશે.શું હતો સમગ્ર મામલો? ઘટનાની મળતી વિગતો અનુસાર, ગત વર્ષે 19 માર્ચ, 2025ના રોજ બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ (એક્સ - અગાઉનું ટ્વિટર) પર બ્રાહ્મણ સમાજ લક્ષી એક અત્યંત અભદ્ર અને વિવાદાસ્પદ લખાણ લખીને પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને કારણે બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ હતી અને ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સુરતના વકીલે નોંધાવી હતી ફરિયાદ અનુરાગ કશ્યપની આ અભદ્ર ટિપ્પણી સામે સુરતના જાણીતા વકીલ કમલેશ રાવલ દ્વારા કાનૂની લડત શરૂ કરવામાં આવી હતી. તેમણે આ મામલે કશ્યપ વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા માટે સુરત કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને તમામ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. 14 મહિના બાદ કોર્ટનો મોટો હુકમ આ કેસમાં કાનૂની પ્રક્રિયા ચાલ્યા બાદ, ઘટનાના લાંબા સમય એટલે કે, 14 મહિના બાદ સુરત કોર્ટે આ મામલાને ગંભીર ગણીને મહત્વનો ચુકાદો આપ્યો છે. સુરત કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આવી અભદ્ર ટિપ્પણીથી સમાજની માનહાનિ થઈ છે. સુરત કોર્ટે અનુરાગ કશ્યપ સામે માનહાનિનો ગુનો દાખલ કરવાનો આદેશ આપવાની સાથે જ આરોપી ડિરેક્ટરને કોર્ટ સમક્ષ હાજર થવા માટે કડક સમન્સ પણ જાહેર કરી દીધું છે. આવનારા દિવસોમાં બોલિવૂડના આ ડિરેક્ટરે સુરતની અદાલતમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા હાજર રહેવું પડશે. આ પણ વાંચો - 51 વર્ષ પહેલા રિલીઝ થયેલી ધર્મેન્દ્રની એ ફિલ્મ જે થિયેટરોમાં ચાલી હતી 5 વર્ષ સુધી, બોક્સ ઓફિસ પર રચ્યો હતો ઇતિહાસ!

Read Full Story arrow_forward
Vadodara News: સયાજીબાગમાં દીપડાની પજવણી કરનાર યુટ્યુબર સુજલ રાજા હાજર, ઝૂ ઓથોરિટીએ ફટકાર્યો દંડ
calendar_today May 16, 2026

Vadodara News: સયાજીબાગમાં દીપડાની પજવણી કરનાર યુટ્યુબર સુજલ રાજા હાજર, ઝૂ ઓથોરિટીએ ફટકાર્યો દંડ

વડોદરાના પ્રખ્યાત સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં દીપડાની પજવણી કરવાના મામલે આખરે વિવાદિત યુટ્યુબર સુજલ રાજા ઝૂ ઓથોરિટી સમક્ષ હાજર થઈ ગયો છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતો સુજલ રાજા ઉર્ફે સુજલ પ્રસાદ સોશિયલ મીડિયા પર વ્યૂઝ મેળવવા માટે દીપડાને હેરાન કરતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ મામલે ઝૂ ઓથોરિટી દ્વારા કડક વલણ અપનાવી પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાતા જ ભયભીત થયેલો યુટ્યુબર પોતે જ સત્તાધીશો સામે હાજર થઈ ગયો હતો અને ઝૂ ઓથોરિટીએ તેની આ ગંભીર બેદરકારી બદલ તેની પાસે કાયદેસરનું માફીનામું લખાવ્યું હતું.સિવિલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હોવાથી પોલીસ ફરિયાદ ન કરાઈ ઝૂ સત્તાધીશોના જણાવ્યા મુજબ આરોપી સુજલ રાજા વડોદરાની એક ખાનગી યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. જો તેની સામે પોલીસ મથકમાં સત્તાવાર ગુનો નોંધવામાં આવે તો તેની શૈક્ષણિક કારકિર્દી અને ભવિષ્ય રોળાઈ જાય તેમ હતું. આ બાબતને માનવતાવાદી અભિગમથી ધ્યાને રાખીને, ઝૂ ઓથોરિટીએ તેની સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જો કે, કાયદાના પાઠ ભણાવવા માટે સત્તાધીશોએ તેને રૂ. 2,000નો આર્થિક દંડ ફટકારીને કડક ચેતવણી આપી છોડ્યો હતો. સુજલે મીડિયા સમક્ષ કાન પકડ્યા, અન્ય લોકોને આપી સલાહ આ સમગ્ર કાર્યવાહી બાદ યુટ્યુબર સુજલ રાજાએ મીડિયા સમક્ષ આવીને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો અને જાહેરમાં માફી માંગી હતી. તેણે કાન પકડીને સ્વીકાર્યું હતું કે સોશિયલ મીડિયાના વીડિયો અને લાઈક્સના ચક્કરમાં તેનાથી આ ગંભીર ભૂલ થઈ ગઈ હતી. આ સાથે જ યુટ્યુબર સુજલે અન્ય યુટ્યુબર્સ અને સામાન્ય લોકોને પણ અપીલ કરી હતી કે કોઈએ પણ સોશિયલ મીડિયાના વળગણમાં આવીને ક્યારેય મૂંગા પ્રાણીઓને પરેશાન કરવા જોઈએ નહીં કે કાયદો હાથમાં લેવો જોઈએ નહીં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward