calendar_today
May 15, 2026
ક્રૂડનો બદલાતો મૂડ : 82 દેશોમાં કકળાટ
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. 3 પ્રતિ લિટરનો વધારો સામાન્ય માણસ માટે ચોક્કસ ચિંતાનો વિષય બન્યો છે. ચાર વર્ષ પછી થયેલો આ વધારો એવા સમયમાં આવ્યો છે જ્યારે સમગ્ર વિશ્વમાં ઇંધણ બજાર ઉથલપાથલ થઈ રહ્યું છે. આ સમગ્ર સંકટ વચ્ચે ભારતે જે માર્ગ પસંદ કર્યો છે તે દુનિયાના ઘણા દેશોથી અલગ અને નોંધપાત્ર માનવામાં આવી રહ્યો છે. અનેક દેશોએ રેશનિંગ, ભારે ભાવવધારો અથવા ઈમરજન્સી નિયંત્રણો લાગુ કર્યા, જ્યારે ભારતે 'ઘબરાટ નહીં, સમજદારી'ની નીતિ અપનાવી છે. ક્રૂડ ઓઈલ એટલે જમીનની અંદર લાખો વર્ષોથી દબાયેલા જૈવિક પદાર્થોમાંથી બનેલું કુદરતી કાચું તેલ. તેને 'બ્લેક ગોલ્ડ' પણ કહેવામાં આવે છે. આ કાચા તેલને રિફાઈનરીમાં શુદ્ધ કર્યા પછી પેટ્રોલ, ડીઝલ, વિમાન ઇંધણ, એલપીજી, ડામર અને અનેક પેટ્રોકેમિકલ ઉત્પાદનો બનાવવામાં આવે છે. ક્રૂડ સામાન્ય રીતે જમીનની અંદર પથ્થરોની સ્તરો વચ્ચે અથવા દરિયાઈ તળિયામાં મળી આવે છે. વિશ્વમાં બેન્ચમાર્ક તરીકે 'બ્રેન્ટ ક્રૂડ' અને 'નાયમેક્સ' નામ બહુ ચર્ચાય છે. બ્રેન્ટ મુખ્યત્વે ઉત્તર સમુદ્રના તેલના ભાવ દર્શાવે છે, જ્યારે નાયમેક્સ અમેરિકન બજારનો મુખ્ય માપદંડ છે. વિશ્વભરમાં ક્રૂડના ભાવ નક્કી કરવામાં આ બંનેનો મોટો પ્રભાવ રહે છે.
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 80 થી 85 ટકા ક્રૂડ આયાત કરે છે. એટલે કે દેશનો મોટો ભાગ વિદેશી તેલ પર નિર્ભર છે. ભારતમાં આસામ, ગુજરાત, રાજસ્થાન, મુંબઈ હાઈ અને કૃષ્ણા-ગોદાવરી બેસિન જેવા વિસ્તારોમાં થોડું સ્થાનિક ઉત્પાદન થાય છે, પરંતુ તે દેશની કુલ માંગ સામે ઘણું ઓછું છે. ભારત દર વર્ષે અંદાજે 230 થી 250 મિલિયન ટન ક્રૂડ આયાત કરે છે. સૌથી વધુ આયાત રશિયા, ઈરાક, સાઉદી અરેબિયા અને યુએઈમાંથી થાય છે. છેલ્લા બે વર્ષમાં રશિયાએ ભારત માટે સૌથી મોટો સપ્લાયર તરીકે સ્થાન મેળવ્યું છે, કારણ કે યુદ્ધ પછી તેણે ડિસ્કાઉન્ટેડ ક્રૂડ ઓફર કર્યું હતું.
પ્રશ્ન એ છે કે ભારતે તરત જ મોટા ભાવવધારા કેમ ન કર્યા? જવાબ દેશની સામાજિક અને આર્થિક રચનામાં છુપાયેલો છે. ભારતમાં ઇંધણની માંગ 'પ્રાઈસ ઈનેલાસ્ટિક' ગણાય છે. એટલે કે ભાવ વધે છતાં લોકો તરત ઉપયોગ ઘટાડી શકતા નથી. ખેડૂતને ડીઝલ જોઈએ જ, ટ્રક ચાલકને વાહન ચલાવવું જ પડે, ઓટો ડ્રાઈવરને રોજગાર માટે પેટ્રોલ જોઈએ જ. જો સરકારે એકસાથે 200 કે 300 ટકા ભાવવધારો કર્યો હોત તો સૌથી વધુ અસર ગરીબ અને મધ્યમવર્ગ પર પડત. તેથી ભારતે 'વોલ્યુમ ઘટાડો, પરંતુ લોકોને આઘાત ન આપો' એવી નીતિ અપનાવી.
સરકારી સૂત્રો મુજબ ક્રૂડના વૈશ્વિક ભાવ વધતા તેલ કંપનીઓને પ્રતિદિન લગભગ 1000 કરોડ રૂપિયાની અન્ડર-રિકવરી થઈ રહી હતી. પેટ્રોલ પર લગભગ રૂ. 26 અને ડીઝલ પર રૂ. 82 પ્રતિ લિટર જેટલો ખર્ચ વધી ગયો હોવા છતાં આખો ભાર ગ્રાહકો પર મૂકવામાં આવ્યો નહોતો. સરકારે અગાઉ એક્સાઈઝ ડયૂટીમાં પણ ઘટાડો કર્યો હતો જેથી સામાન્ય માણસને રાહત મળે.
દુનિયાના ઘણા દેશોમાં સ્થિતિ ભારત કરતાં ઘણી કઠિન છે. યુએઈમાં કેટલાક વિસ્તારોમાં ઇંધણના ભાવમાં 52 ટકા સુધીનો વધારો નોંધાયો. અમેરિકામાં સરેરાશ 44 ટકા સુધી ભાવ વધી ગયા. યુરોપના અનેક દેશોમાં લોકો કલાકો સુધી પેટ્રોલ પંપ પર લાઈનમાં ઊભા રહેતા જોવા મળ્યા. કેટલાક દેશોએ રેશનિંગ શરૂ કર્યું, તો કેટલાકે લોકોને નિર્ધારિત માત્રાથી વધુ પેટ્રોલ ન આપવાનો નિર્ણય લીધો. શ્રીલંકા જેવા દેશોમાં અગાઉ લોકો દિવસો સુધી પેટ્રોલ માટે રાહ જોતા હતા. પાકિસ્તાનમાં પણ ઇંધણ સંકટે અર્થતંત્રને હચમચાવી દીધું હતું.
ભારતનું વાર્ષિક ક્રૂડ આયાત બિલ અંદાજે 12 થી 15 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે છે. સાથે સાથે સોનાની આયાત પણ લગભગ 6 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. સરકારનું માનવું છે કે ઓઈલ અને ગોલ્ડ બંને મળીને દેશના વિદેશી ચલણ પર ભારે દબાણ ઉભું કરે છે. તેથી વડાપ્રધાને લોકોને સ્વૈચ્છિક બચત માટે અપીલ કરી છે. તેમાં ઇંધણનો ઓછો ઉપયોગ, એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવી અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ઘટાડવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. ભારતના ઘરોમાં અંદાજે 30,000 ટન સોનું હોવાનું માનવામાં આવે છે, જેની કિંમત લગભગ 5 ટ્રિલિયન ડોલર ગણાય છે.
ભારતમાં આજે વાહનોની સંખ્યા જબરદસ્ત રીતે વધી રહી છે. અંદાજે 30 કરોડથી વધુ રજીસ્ટર્ડ વાહનોમાં મોટાભાગના પેટ્રોલ અને ડીઝલ આધારિત છે. તેમાં લગભગ 21 કરોડથી વધુ ટુ-વ્હીલર, કાર, ટ્રક અને બસોનો સમાવેશ થાય છે. ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો હજુ પણ નાનો છે, પરંતુ ઝડપથી વધી રહ્યો છે. વિશ્વભરમાં અંદાજે 1.5 અબજથી વધુ વાહનો છે, જેમાંથી ઈલેક્ટ્રિક વાહનોનું પ્રમાણ હજુ પણ 5 થી 7 ટકા આસપાસ છે. એટલે કે દુનિયા હજુ પણ મોટા ભાગે ફોસિલ ફ્યુઅલ પર આધારિત છે.
ભારતમાં દરરોજ આશરે 50 લાખ બેરલ જેટલું પેટ્રોલિયમ વપરાય છે. વિશ્વના મોટા ઇંધણ વપરાશકાર દેશોમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. ત્યારબાદ ચીન અને ભારત આવે છે. અમેરિકામાં વ્યક્તિદીઠ વપરાશ ભારત કરતાં ઘણો વધારે છે, કારણ કે ત્યાં ખાનગી વાહનો પર ભારે નિર્ભરતા છે. ભારતમાં હજુ પણ જાહેર પરિવહન અને ટુ-વ્હીલરનો મોટો ઉપયોગ થાય છે, છેલ્લા દાયકામાં ક્રૂડના ભાવોમાં ભારે ચઢાવ-ઉતાર જોવા મળ્યા છે. 2008માં ક્રૂડ 147 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હતું. કોરોના દરમિયાન તો માંગ ઘટતા ભાવ ઐતિહાસિક રીતે તૂટી પડયા હતા. પરંતુ યુદ્ધ, સપ્લાય વિક્ષેપ અને વૈશ્વિક અનિશ્ચિતતાએ ફરીથી બજારમાં ઉથલપાથલ મચાવી છે. ઈરાન-અમેરિકા તણાવ બાદ બ્રેન્ટ ક્રૂડ ફરી 100 ડોલર પ્રતિ બેરલ પાર ગયું હોવાનું બજાર નિષ્ણાતો કહે છે. આ સમગ્ર પરિસ્થિતિમાં ભારતની નીતિ દુનિયાને એક અલગ સંદેશ આપે છે. જ્યારે અનેક દેશોએ ભય અને કડક નિયંત્રણોનો માર્ગ પસંદ કર્યો, ત્યારે ભારતે લોકોમાં વિશ્વાસ રાખ્યો. સરકારે સીધા રેશનિંગ કરતાં 'સ્વૈચ્છિક બચત' પર ભાર મૂક્યો. આ અર્થતંત્ર અને સામાજિક સંતુલન વચ્ચેનો માર્ગ છે. ભાવ વધ્યા છે, લોકો પર બોજો પણ આવ્યો છે, પરંતુ હજુ સુધી ભારતે સંકટને 'ઘરઆંગણે આર્થિક આપત્તિ' બનવા દીધું નથી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
Read Full Story
arrow_forward