Ahmedabad : વાડજમાં કાર પાર્કિંગના ઝઘડામાં હેર સલૂનમાં 4 લોકોએ કરી તોડફોડ
અમદાવાદના વાડજ વિસ્તારમાં કાર પાર્કિંગના ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. સોરાબજી કમ્પાઉન્ડ નજીક આવેલા એક હેર સલૂનમાં ચાર લોકોએ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું.ચાર વ્યક્તિઓએ ગુસ્સામાં આવીને સલૂન પર હુમલો કર્યો મળતી માહિતી મુજબ, પાર્કિંગ બાબતે થયેલા નાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. વિવાદ બાદ બે મહિલાઓ સહિત કુલ ચાર વ્યક્તિઓએ ગુસ્સામાં આવીને સલૂન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ દંડા વડે સલૂનની અંદર તોડફોડ કરી, ફર્નિચર, કાચ અને અન્ય સામગ્રીને નુકસાન પહોંચાડ્યું હતું. આ અચાનક હુમલાથી સલૂનમાં હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટના બાદ સલૂન માલિકે તાત્કાલિક વાડજ પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે પાર્કિંગ મુદ્દે સામાન્ય બોલાચાલી બાદ આરોપીઓએ સંગઠિત રીતે આવીને હિંસા કરી અને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આરોપીઓની ઓળખ થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કાયદો હાથમાં લેનાર કોઈને પણ છોડવામાં નહીં આવે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં પાર્કિંગને લઈને અગાઉ પણ નાના-મોટા વિવાદો થતા રહ્યા છે, પરંતુ આ વખતની ઘટના હિંસક બની ગઈ છે. પોલીસે જણાવ્યું છે કે કાયદો હાથમાં લેનાર કોઈને પણ છોડવામાં નહીં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં પાર્કિંગ વ્યવસ્થાની સમસ્યા અને તેના કારણે થતા વિવાદો પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ પણ વાંચો : Kachchh : છછીના દરિયાકાંઠે લાઈટ હાઉસ નજીક વિસ્ફોટક સેલ મળ્યો, આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો
Read Full Story arrow_forward