android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: અલુવા-સાદરા બ્રીજનું લોકાર્પણ ન થતાં લોકોની ધીરજ ખુટી ગઈ
calendar_today May 5, 2026

Gandhinagar: અલુવા-સાદરા બ્રીજનું લોકાર્પણ ન થતાં લોકોની ધીરજ ખુટી ગઈ

માણસા તાલુકાના અલુવા ગામથી ગાંધીનગર તાલુકાને જોડતો સાબરમતી નદી ઉપરનો બ્રિજ બની ગયો હોવા છતાં લોકાર્પણ કરાતું નથી. જેને પગલે હવે કંટાળેલા ગ્રામજનોએ પોતાની રીતે જ આ પુલ પરથી અવર-જવર ચાલુ કરી દીધી છે. છેલ્લા પાંચ વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહેલો બ્રિજ હવે સંપૂર્ણ બનીને તૈયાર છે, તેમ છતાં વહીવટી તંત્ર લોકાર્પણ કરતું નથી ચોમાસું નજીક છે ત્યારે ઝડપથી આ બ્રિજ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.માણસા તાલુકા અને ગાંધીનગર તાલુકાને જોડતા સાદરા-અલુવા પુલના કામ શરૂ થયે પાંચ વર્ષ થઈ ગયા છે.ત્યારે હવે પુલનું કામ પૂર્ણ થયું હોવા છતાં તંત્રને તેના લોકાર્પણની તારીખ મળતી નથી. જેને લઈને અનેક વાહનચાલકો હેરાન-પરેશાન થઈ ગયા છે. માણસા અને ગાંધીનગરના તાલુકાના હજારો લોકો પુલના લોકાર્પણની રાહ જોઈ રહ્યા છે. જેને પગલે કંટાળીને થોડા દિવસથી ઘણા વાહનચાલકોએ લોકાર્પણની રાહ જોયા વગર પુલનો ઉપયોગ શરૂ કરી દીધો છે.પુલ સાથે જ પુલથી અલુવા ગામ સુધીનો રોડ પણ તૈયાર થયેલ છે. પરંતુ રોડ વચ્ચે 10 જેટલા વીજ પોલ આવતા હોવાથી આ રોડ પર પસાર થતા વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. છતાં તંત્ર દ્વારા કોઈ મોટી હોનારતની રાહ જોતા હોય તે રીતે વીજ પોલ હટાવવા માટે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. સાદરા અલુવા પુલ નીચે નદીમાં હાલ કાચો રસ્તો બનાવીને વાહન ચાલકો રેતીના ઢગલામાં મહામહેનતે વાહનો પસાર કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પુલનું કામ પૂર્ણ થયું હતું. પરંતુ આચાર સંહિતાને પગલે લોકાર્પણ પાછું ઠેલવામાં આવ્યું હતું. હવે આચાર સંહિતા પૂર્ણ થઈ હોવા છતાં તંત્રમાં પુલના લોકાર્પણનો કોઈ સડવડાટ દેખાતો નથી. જેને ગ્રામજનોની ધીરજ ખુટતાં લોકાર્પણ વગર જ તેનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: એટા નજીકથી યુવકનું અપહરણ કરનાર 3 ઝડપાયા
calendar_today May 5, 2026

Banaskantha: એટા નજીકથી યુવકનું અપહરણ કરનાર 3 ઝડપાયા

સુઈગામ વિસ્તારમાંથી એક યુવકનું અપહરણ કરી પોલીસને સોશિયલ મીડિયા દ્વારા પડકાર ફેંકનારા ત્રણ અપહરણકર્તાઓને સુઈગામ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે ટેકનિકલ સર્વલન્સ અને બાતમીદારોની મદદથી ભોગ બનનાર યુવકને સહીસલામત છોડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુઈગામ તાલુકાના એટા ગામ નજીકથી હિતેષ લાલજીભાઈ આશલ રહે. ખડોલ નામના યુવકનું ત્રણ શખ્સો દ્વારા ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે સુઈગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પી.આઈ. એચ.એમ.પટેલ તથા સુઈગામ પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. અપહરણકર્તાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સતત પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા અને ભોગ બનનારને વાપી-વલસાડ તરફ્ લઈ ગયા હોવાની આશંકા હતી. જોકે, પોલીસે હિંમત હાર્યા વગર સીસીટીવી(CCTV)ફૂટેજની ચકાસણી કરી, મોબાઇલ લોકેશન અને ટેકનિકલ સર્વલન્સનો ઉપયોગ કરી આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર વોચ ગોઠવી હતી. અંતે, પોલીસે મધ્યરાત્રિએ પૂર્વ કચ્છ જિલ્લાના ભુજ પાસેના એક ગામમાં ઓપરેશન પાર પાડી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા અને યુવકને મુક્ત કરાવ્યો હતો.ઝડપાયેલ આરોપીઓમાં જગદીશ ધર્મશીભાઈ સોલંકી (રહે. જઝામ, તા. સાતલપુર, જિ. પાટણ). પિયુષ પથુભાઈ પારેગી (રહે. મોરવાડા,તા. સુઈગામ) અને પ્રવીણ કરસનભાઈ પારેગી (રહે. મોરવાડા, તા. સુઈગામ) પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી અપહરણ પાછળના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: ભરૂચ જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 93.37 ટકા પરિણામ
calendar_today May 5, 2026

Bharuch: ભરૂચ જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 93.37 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવાયેલ ધો.12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયુ છે ભરૂચ જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 93.37 ટકા તો વિજ્ઞાન પ્રવાહનું 80.59 ટકા પરિણામ જાહેર થયુ છે.ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ 8555 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 8537 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પ્રવાહમાં 93.37 ટકા વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા.સામાન્ય પ્રવાહના પરિણામની વિગત જોતા ધો. 12 સામાન્ય પ્રવાહમાં એ-1, ગ્રેડમાં 71 વિદ્યાર્થી,એ-2 ગ્રેડમાં 454 વિદ્યાર્થી, બી-1 ગ્રેડમાં 1073 વિદ્યાર્થી, બી-2 ગ્રેડમા 1843 વિદ્યાર્થી સી-1 માં 2347, સી-2 માં 1853,ડી ગ્રેડમાં-341 અને ઈ-1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને એનઆઈ 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહના કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો અંકલેશ્વર કેન્દ્રનું 92.66 ટકા, ભરૂચ કેન્દ્રનું 90.53 ટકા, ઝાડેશ્વર કેન્દ્રનું 93.58 ટકા, જંબુસર કેન્દ્રનું 92.71 ટકા, નેત્રંગ કેન્દ્રનું 99.31 ટકા, હાંસોટ કેન્દ્રનું 91.58 ટકા, ઝઘડીયા કેન્દ્રનું 93.89 ટકા અને દહેજ કેન્દ્રનું 98.25 ટકા પરિણામ જાહેર થયુ છે. જયારે વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ જિલ્લાનું પરિણામ 80.59 ટકા નોંધાયુ છે. આ પ્રવાહમાં કુલ 2974 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 2972 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.ભરૂચ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રેડ મુજબ પરિણામ પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં એ-1 ગ્રેડમાં 41 વિદ્યાર્થીઓ,એ-2 માં 251, બી-1 માં 439, બી-2 માં 513 અને એનઆઈ માં 579 વિદ્યાર્થીઓ નોંધાયા છે. હવે કેન્દ્ર મુજબ પરિણામની ટકાવારી જોઈએ તો વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ કેન્દ્રનું 83.59 ટકા,અંકલેશ્વર કેન્દ્રનું 77.40 ટકા, ઝાડેશ્વર કેન્દ્રનું 88.41 ટકા અને જંબુસર કેન્દ્રનું 68.24 ટકા પરિણામ જાહેર થયુ છે. પરીક્ષામાં ઉત્તિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને શાળાએથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward