Assembly Election Results 2026: સત્તાનો ‘સુપર મંડે’, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો, બંગાળથી તમિલનાડુ સુધી કોનો થશે રાજ્યાભિષેક?
ભારતની રાજનીતિ માટે આવતીકાલનો સોમવાર 'નિર્ણાયક' સાબિત થવાનો છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે (4 મે) જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે, કયા રાજ્યમાં કોની સરકાર બનશે. લોકશાહીના આ મહાસંગ્રામમાં જનતાનો જનાદેશ કોની તરફેણમાં છે તેના પર આખા દેશની નજર છે.પશ્ચિમ બંગાળ: દીદીનો જાદુ કે કમળનો પ્રહાર? બંગાળમાં 294 બેઠકોમાંથી 293 બેઠકો પર આવતીકાલે મતગણતરી થશે (ફલતા બેઠક પર પુનઃમતદાનને કારણે પરિણામ 24 મેના રોજ આવશે). આ વખતે ભાજપ અને TMC વચ્ચે કાંટાની ટક્કર છે. જ્યાં મમતા બેનર્જી 'લક્ષ્મી ભંડાર' અને બંગાળી અસ્મિતાના જોરે સત્તા ટકાવવા મથે છે, ત્યાં ભાજપ ભ્રષ્ટાચાર અને પરિવર્તનના નારા સાથે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચેનો મુકાબલો સૌથી વધુ ચર્ચામાં છે. દક્ષિણનો ગઢ: તમિલનાડુ અને કેરળ તમિલનાડુમાં 234 બેઠકો પર DMK અને AIADMK વચ્ચે પરંપરાગત જંગ છે, પરંતુ આ વખતે અભિનેતા વિજયની પાર્ટી 'TVK' ની એન્ટ્રીએ સમીકરણો બદલ્યા છે. બીજી તરફ, કેરળમાં મુખ્યમંત્રી પિનારાઈ વિજયન (LDF) ઇતિહાસ બદલીને ફરી સત્તા મેળવશે કે, કોંગ્રેસની આગેવાની હેઠળનું UDF વાપસી કરશે, તે જોવું રસપ્રદ રહેશે. કેરળમાં ભાજપ પણ ત્રિપાંખિયા જંગમાં મજબૂત દેખાઈ રહ્યું છે. આસામ અને પુડુચેરી આસામમાં 126 બેઠકો પર હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ હેટ્રિકની આશા રાખી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ મુસ્લિમ બહુલ વિસ્તારો અને જૂના વોટબેંકના આધારે વાપસીનો દાવો કરી રહી છે. પુડુચેરીની 30 બેઠકો પર અપક્ષ ઉમેદવારો કિંગમેકર બને તેવી શક્યતા સેવાઈ રહી છે. સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત બંદોબસ્ત અને EVM પર રાજકીય પક્ષોની બાજ નજર વચ્ચે આવતીકાલે 'સત્તાનું સિરપાવ' કોને મળશે તે જાહેર થશે. આ પણ વાંચો - Kerala Assembly Election Result: કેરલમમાં પરિણામ પહેલા જ કોંગ્રેસમાં જશ્નની તૈયારી, સાથી પક્ષોએ CM પસંદ કરવાની સત્તા હાઈકમાન્ડને સોંપી
Read Full Story arrow_forward