Mehsana News: રાજસ્થાનની સરકારી બસમાં ચરસની હેરાફેરી કરનાર 3 શખ્સોને 10 વર્ષની સખત કેદ
વર્ષ 2021માં મહેસાણાના ફતેહપુરા સર્કલ પાસેથી કરોડોની કિંમતના ચરસ સાથે પકડાયેલા ત્રણ આરોપીઓને મહેસાણાની સ્પેશિયલ NDPS કોર્ટે મહત્વનો ચુકાદો આપતા 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. રાજસ્થાન સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં મુસાફરી દરમિયાન 9.330 કિલો ચરસના જથ્થા સાથે પકડાયેલા સાહિદ ઇબ્રાહિમ, રફીક ચૌહાણ અને મણીયાર સૈયદ હુસેન નામના ત્રણ શખ્સોને મહેસાણાની સ્પેશિયલ NDPS કોર્ટના જજ એમ. એફ. ખત્રીએ આ કડક સજા ફટકારી છે.ભારે દંડ અને કડક સજાનો આદેશ આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર કે. દવે દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. કોર્ટે ત્રણેય આરોપીઓને 10 વર્ષની જેલની સજાની સાથે આર્થિક દંડ પણ ફટકાર્યો છે, જેમાં સાહિદ ઇબ્રાહિમ અને રફીક ચૌહાણને 1.5 લાખ રૂપિયાનો દંડ તથા મણીયાર સૈયદ હુસેનને 1 લાખ રૂપિયાનો દંડ ભરવા આદેશ કર્યો છે. નશાના કાળા કારોબારમાં સંડોવાયેલા આ શખ્સો સામેના પુરાવાઓ મજબૂત જણાતા કોર્ટે આ મામલે લાલ આંખ કરી છે. નશાના સોદાગરોમાં ફફડાટ ઉલ્લેખનીય છે કે, સરકારી પરિવહન સેવાનો ઉપયોગ કરીને નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના આ કિસ્સામાં કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. વર્ષ 2021માં સર્જાયેલી આ ઘટનામાં લાંબા સમયની કાયદેસરની પ્રક્રિયા બાદ અંતે ન્યાય મળ્યો છે. આ ચુકાદાથી નશીલા પદાર્થોની હેરાફેરી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સમાજમાં નશાના દૂષણને ડામવા માટે આ ચુકાદો એક મહત્વનું ઉદાહરણ પૂરું પાડશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward