Kadi News: જમીયતપુરામાં ખેતરમાં ગાયો ચરાવવા ના પાડતા ખેડૂત પર ખૂની હુમલો, 4 સામે ગુનો દાખલ
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જમીયતપુરા ગામે ગાયો ચરાવવા જેવી નજીવી બાબતે ખેડૂત પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ખેડૂતના ખેતરમાં પાક ઉભો હોવાથી તેમણે રખડતી ગાયોને ખેતરમાં ઘુસાડવાની ના પાડી હતી. આ વાતથી ઉશ્કેરાઈને ચાર શખ્સોએ ખેડૂત પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ લાકડીઓ વડે ખેડૂતને બેફામ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે કડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ઘરે જઈ મહિલાઓને અપશબ્દો કહી મચાવ્યો હોબાળો હુમલાખોરોનો આતંક માત્ર ખેતર સુધી સીમિત રહ્યો ન હતો. ખેડૂતને માર માર્યા બાદ આ શખ્સો ખેડૂતના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં હાજર મહિલાઓને પણ ભુંડી ગાળો ભાંડી અપશબ્દો કહ્યા હતા. હુમલાખોરોની આ ગુંડાગીરીને પગલે ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેતરમાં મહેનત કરીને પકવેલા પાકને બચાવવા ગયેલા ખેડૂત પરિવારને આ રીતે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાવલુ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત ખેડૂત પક્ષ દ્વારા બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે કુલ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસે હુમલામાં વપરાયેલા હથિયારો અને સાક્ષીઓની પૂછપરછના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ખેતરમાં ગેરકાયદેસર રીતે પશુઓ ઘુસાડવા અને વિરોધ કરતા હુમલો કરવાના આ કિસ્સામાં કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward