Madhya Pradesh : મેં પપ્પાનો હાથ પકડ્યો પણ મમ્મી-ભાઈ ન મળ્યા.. દીકરીની આપવીતી સાંભળીને રૂવાડાં ઉભા થઇ જશે!
મધ્યપ્રદેશના જબલપુરમાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ બરગી ડેમમાં ગઈકાલે રાત્રે એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. નર્મદા નદીના વિશાળ બેકવોટરમાં સહેલગાહ કરી રહેલું એક ક્રુઝ શિપ અચાનક પલટી જતાં મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 15 લોકોને સલામત રીતે બચાવી લેવાયા છે. હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાથી SDRFની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે શોધખોળ ચાલુ છે. ભારે પવન અને ઊંચા મોજા બન્યા કારણ પ્રાથમિક વિગતો મુજબ, જ્યારે ક્રુઝ નદીના ઊંડા પાણીમાં પહોંચ્યું ત્યારે અચાનક હવામાન પલટાયું હતું. જોરદાર ફૂંકાયેલા પવન અને પાણીમાં ઉછળેલા ઊંચા મોજાને કારણે ક્રુઝે પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ક્રુઝ ડોલવા લાગ્યું હતું અને થોડી જ સેકન્ડોમાં ઊંધું વળી ગયું હતું. ડ્રાઈવર પરિસ્થિતિ પર કાબૂ મેળવે તે પહેલા જ તમામ મુસાફરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકીની હૃદયદ્રાવક આપવીતી આ દુર્ઘટનામાં બચી ગયેલી એક નાની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે સાંભળીને પથ્થર દિલના માણસની આંખો પણ ભીની થઈ જાય. ધ્રૂજતા અવાજે બાળકીએ કહ્યું, "બધું અચાનક થયું. ક્રુઝ પલટી ગયું અને અમે બધા પાણીમાં વિખેરાઈ ગયા. મેં ગમે તેમ કરીને અંધારામાં મારા પપ્પાને શોધ્યા અને તેમનો હાથ પકડી લીધો. પણ મારી મમ્મી અને ભાઈ ક્યાંય દેખાયા નહીં. મારા દાદા બચી ગયા છે, પણ મારી દાદી હવે આ દુનિયામાં નથી, તેમનો મૃતદેહ મળી આવ્યો છે." તંત્ર સામે ઉભા થયા ગંભીર સવાલો આ અકસ્માતે સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. શું ક્રુઝમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરવામાં આવ્યા હતા? શું દરેક મુસાફર પાસે લાઈફ જેકેટ હતું? અને સૌથી મહત્વનું કે, જ્યારે હવામાન ખરાબ થવાની ચેતવણી હતી, તો ક્રુઝને પાણીમાં જવાની મંજૂરી કેમ અપાઈ? વહીવટીતંત્રે આ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. હાલમાં સ્થાનિક ડાઇવર્સ અને બચાવ ટીમો બાકીના ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહી છે. આ ઘટનાએ જબલપુર સહિત સમગ્ર મધ્યપ્રદેશમાં શોકનું મોજું ફેરવી દીધું છે. આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાન મંત્રીએ ભારતની પ્રશંસાના પુલ બાંધ્યા, કારણ જાણીને પણ તમને ગર્વ થશે
Read Full Story arrow_forward