Mandal: માંડલના માર્ગો ઉપર મહાવીર સ્વામી ભગવાનની વાજતેગાજતે ભવ્ય નગરયાત્રા નીકળી
બાળપણમાં વર્ધમાન તરીકે ઓળખાતા એવા 24માં તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવાનની મંગળવારે સમગ્ર અમદાવાદ જિલ્લામાં જૈન સમાજના શ્રાવકો દ્વારા જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. આ મહાપર્વે માંડલ ખાતે આવેલ ગાડલિયા પાર્શ્વનાથ, શાંતિનાથ, ઋષભદેવ, ગુરુદાદા ઉપાશ્રાય સમગ્ર જીનાલયોમાં મંગળવારે વહેલી સવારથી જૈન શ્રાવકોની ભીડ જામી હતી. મહાવીર જયંતિની ઉજવણીના ભાગરુપે જીનાલયોમાં નવકારમંત્રોના સ્મરણ, ભગવાનની પુજા, પ્રતિક્રમણ જેવા પ્રસંગો યોજાયા હતા. ત્યારબાદ ગાંધીવાસમાં આવેલ ગાડલિયા પાર્શ્વનાથ ભગવાનના દેરાસરથી ચાંદીના રથમાં ભગવાનને બિરાજમાન કરી નગરના રાજમાર્ગો ઉપર ભગવાનની યાત્રા, બેન્ડવાજા સાથે નીકળી હતી. શોભાયાત્રામાં આચાર્ય ભગવંત વિજય અજિતશેખરસૂરિ મહારાજા સહિત 34 સાધુ ભગવંતોના આદીઠાણા ઉપસ્થિત રહ્યાં હતાં. આ શોભાયાત્રાના રૂટ ઉપર બ્રાહ્મી સુંદરી એલર્ટ ગ્રુપ દ્વારા માંડવી ચોકમાં ઠંડી છાશનું, બજાર વિસ્તારમાં શક્તિ શરાફી મંડળી દ્વારા શરબતની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. શોભાયાત્રામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિ ગીતો, સ્તવનો, સંકીર્તન સાથે ઝુમી ઉઠયા હતા અને નગરયાત્રા બપોરે પરત દેરાસરમાં ફરી હતી અને ત્યારબાદ જ્ઞાતિની વાડીએ સ્વામિવાત્સલ્ય અને સાંજના ચોવિયાર સહિતના આયોજનો કરવામાં આવ્યાં હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward