calendar_today
March 23, 2026
Gandhinagar : નાણાકીય શિસ્તમાં ગુજરાત અવ્વલ, છેલ્લા 22 વર્ષથી રાજ્ય સરકારે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી
ગુજરાત વિધાનસભા ખાતે નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતનું ઐતિહાસિક અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યનો નાણા વિભાગ નિયત માપદંડો અને સુશાસનની પરંપરાઓ મુજબ નાણાકીય વ્યવસ્થાપન કરી નાણાકીય શિસ્તનું કડક પાલન કરી રહ્યો છે.મહેસૂલી પુરાંત જાળવી રાખવાનો અંદાજ
મંત્રીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજવિત્તીય અધિનિયમના માપદંડો મુજબ, ગુજરાતે વર્ષ ૨૦૨૪-૨૫માં મહેસૂલી ખાધના ‘શૂન્ય’ના લક્ષ્યાંકની સામે રૂ.૧૮,૯૪૩ કરોડની મહેસૂલી પુરાંત સિદ્ધ કરી છે અને વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજમાં રૂ.૨૫,૫૮૭ કરોડની મહેસૂલી પુરાંત જાળવી રાખવાનો અંદાજ છે.
GSDPના ૩ ટકાની મર્યાદા
ફિસ્કલ ડેફિસિટ રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે, GSDPના ૩ ટકાની મર્યાદામાં રાખવાની રહે છે, જેની સામે રાજ્યની રાજવિત્તીય ખાધ ૨૦૨૬-૨૭ના અંદાજ અનુસાર GSDPના માત્ર ૧.૯૭ ટકા અંદાજવામાં આવી છે.
દેવાનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે
રાજ્યના દેવા અંગે સ્પષ્ટતા કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યનું દેવું રાજ્યના વિકાસકાર્યો માટેનું એક સંશાધન છે અને ગુજરાતે દેવાની ચૂકવણીમાં ક્યારેય ચૂક કરી નથી. રાજ્યનું કુલ દેવું રાજ્યના GSDPના ૨૭.૧૦ ટકાની મર્યાદામાં રાખવાનું રહે છે, જેની સામે રાજ્યનું કુલ દેવું વર્ષ ૨૦૨૪-૨૫માં GSDPના ૧૩.૮૭ ટકા જ રહ્યું છે. જે વર્ષ ૨૦૨૬-૨૭માં GSDPના ૧૪.૬૫ ટકા રહેવાનો અંદાજ છે. રાજ્યના અસરકારક નાણાકીય સંચાલનના પરિણામે દેવાનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે.
રૂ. ૫૭,૩૧૧ કરોડ ગ્રાન્ટ મળવાનો અંદાજ
૧૫મા નાણાપંચની મુદત પૂર્ણ થયા બાદ એપ્રિલ-૨૦૨૬થી ૧૬મા નાણાપંચની ભલામણોનો અમલ શરુ થશે. ૧૫મા નાણાપંચની સાપેક્ષમાં ૧૬મા નાણાપંચ અંતર્ગત કેન્દ્રીય વેરામાં ગુજરાતનો હિસ્સો ૩.૪૭૮ ટકાથી વધીને ૩.૭૫૫ ટકા નિર્ધારિત થયો છે. જે પ્રમાણે ગુજરાતને વર્ષ ૨૦૨૬-૨૭માં રૂ. ૫૭,૩૧૧ કરોડ ગ્રાન્ટ મળવાનો અંદાજ છે.
૧૧.૬૬ ટકાના વધારા સાથે ગ્રાન્ટ મળશે
નાણાપંચ અંતર્ગત શહેરી અને ગ્રામ્ય સ્વરાજ્યની સંસ્થા તથા અન્ય વિભાગોને ફાળવવામાં આવતી કુલ ગ્રાન્ટોમાં ગુજરાતને વર્ષ ૨૦૨૬-૨૭ માટે આશરે ૧૧.૬૬ ટકાના વધારા સાથે રૂ.૬,૯૯૯ કરોડ ગ્રાન્ટ મળવાનો અંદાજ છે.
ગુજરાતે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી
રાજ્ય સરકારના અસરકારક નાણાકીય સંચાલન અને કુશળ નાણાકીય વ્યવસ્થાપનને કારણે છેલ્લા ૨૨ નાણાકીય વર્ષથી ગુજરાતે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી અને છેલ્લા ૨૧ નાણાકીય વર્ષથી એકપણ સાધનોપાય પેશગી પણ લીધી નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.
સર્વાંગી અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ રોડમેપ તૈયાર
વિકાસના રોડમેપ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકારે “વિકસિત ગુજરાત ૨૦૪૭”નો સર્વાંગી અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ રોડમેપ તૈયાર કર્યો છે. આ રોડમેપ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત રીતે રાજ્યના સર્વાંગી, સંતુલિત અને ટકાઉ વિકાસને આગળ ધપાવવાનું કામ કરશે.
જીએસટી વેરાની બચત થકી સીધો લાભ
જીએસટી અંગેના સુધારા વર્ણવતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ GST 2.0 સુધારાની જાહેરાત કરીને ચીજ વસ્તુઓ અને સેવાઓ પર જીએસટી વેરાના દરમાં નોંધપાત્ર ઘટાડો તેમજ જીએસટી સરળીકરણની જાહેરાત કરી છે. નવરાત્રીના પ્રથમ દિવસથી જીએસટી વેરાના દરમાં થયેલ ઘટાડાના અમલીકરણના પગલે રાજ્યની જનતાને એક વર્ષમાં રૂ. ૧૧,૦૦૦ કરોડના જીએસટી વેરાની બચત થકી સીધો લાભ થશે.
ગુજરાત સતત પાંચ વર્ષથી પ્રથમ ક્રમે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જૂન, ૨૦૧૭માં જીએસટીની અમલવારી થઇ તે સમયે રાજ્યમાં કરદાતાઓની સંખ્યા ૫,૦૮,૮૬૩ હતી, જે આજે વધીને ૧૩,૮૨,૩૪૨ થઈ છે. એટલે કે, રાજ્યના કરદાતાઓની સંખ્યામાં ૧૭૨ ટકાથી વધુનો વધારો થયો છે. નિયત સમયમર્યાદામાં જીએસટી પત્રક ભરવામાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત સતત પાંચ વર્ષથી પ્રથમ ક્રમે રહ્યું છે. જે ગુજરાતના કરદાતાઓની શિસ્તબદ્ધતા અને રાજ્યવેરા વિભાગના સહિયારા પ્રયાસોથી શક્ય બન્યું છે.
ચાલુ વર્ષે જીએસટીની આવકમાં ૧૩ ટકાની વૃદ્ધિ
જીએસટી વેરાના દરમાં ઘટાડો થવા છતાં જીએસટી સરળીકરણ અને રાજ્યવેરા વિભાગની કામગીરીના પરિણામે ટેક્ષબેઝ તથા ટેક્ષ કોમ્પ્લાયન્સમાં થયેલા વધારાના પરિણામે ગુજરાતને ચાલુ વર્ષે જીએસટીની આવકમાં ૧૩ ટકાની વૃદ્ધિ થઇ છે. એપ્રીલ-૨૦૨૫થી ફેબ્રુઆરી-૨૦૨૬ સુધી જીએસટી, વેટ, ઇલેક્ટ્રીસીટી ડ્યુટી, પ્રોફેશનલ ટેક્ષ સાથે મળીને રાજ્ય સરકારને કુલ રૂ.૧,૧૫,૪૨૧ કરોડની આવક થઈ છે. કરદાતાની વર્કીંગ કેપીટલ બ્લોક ન થાય અને કરદાતાઓને ઝડપી રિફંડ મળી રહે તે હેતુસર જોખમના મૂલ્યાંકનના આધારે કરદાતા દ્વારા દાવો કરાયેલા રિફંડના ૯૦ ટકા રકમને માત્ર ૭ દિવસમાં પ્રોવિઝનલ રિફંડ તરીકે ચૂકવવાની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.
૨૦ વર્ષ સુધી સંપૂર્ણ ઇન્કમટેક્સ માફી
અગાઉ ગિફ્ટ સિટીમાં આવતી તમામ કંપનીઓને ૧૫ વર્ષના બ્લોકમાં સળંગ ૧૦ વર્ષ માટે ૧૦૦ ટકા ટેક્સ માફી મળતી હતી. ગિફ્ટ સીટીમાં રોકાણ કરતી તમામ કંપનીઓને લાંબા ગાળાની સ્થિરતા આપવા માટે આ મર્યાદા વધારીને ૨૫ વર્ષના બ્લોકમાં સળંગ ૨૦ વર્ષ સુધી સંપૂર્ણ ઇન્કમટેક્સ માફી આપવામાં આવી છે.
ગુજરાત દેશમાં અગ્રેસર રાજ્ય
સામાજિક સુરક્ષા અંગે મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ૧૫ વિભાગોની ૩૬૭ યોજનાઓ હેઠળ નાણાકીય સહાય DBT દ્વારા આપીને ગુજરાત દેશમાં અગ્રેસર રાજ્ય બની રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૩૦ કરોડ લાભાર્થીઓને રૂ.૨૧,૩૮૭ કરોડ DBTના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
વીમા યોજના અંતર્ગત રાજ્યના ૪.૧૨ કરોડ લોકોને સમાવવામાં આવ્યા
વીમા નિયામક કચેરી દ્વારા ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના અંતર્ગત રાજ્યના ૪.૧૨ કરોડ લોકોને સમાવવામાં આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૬ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ૧૭,૪૪૫ લાભાર્થી પરિવારોને રૂ. ૩૧૦.૮૩ કરોડની વિમા રકમની ચુકવણી કરવામાં આવી છે, તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
નવું બજેટ પોર્ટલ વિકસાવવામાં આવ્યું
નવી ટેકનોલોજી અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યનું બજેટ તૈયાર કરવાની પ્રક્રિયાને વધુ સુગમ અને ડિજિટલ બનાવવા હેતુસર નવું બજેટ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ તથા IFMS 3.0 પ્રોજેક્ટ રાજ્યની નાણાકીય વ્યવસ્થાપન પદ્ધતિને આધુનિક અને વધુ અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. વિધાનસભા ગૃહમાં વિસ્તૃત ચર્ચાના અંતે નાણા વિભાગની આ અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.
આ પણ વાંચો--- Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી
Read Full Story
arrow_forward