Surendranagar: રેતીની આડમાં ડમ્પરમાં ચોરખાનુ બનાવી દારૂની હેરાફેરી
સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ સહિતનાઓને મૂળી તાલુકાની સરા ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રેતી ભરેલા ડમ્પરમાં ચોરખાનુ બનાવી દારૂ લઈ જવાતો હોવાનું તથા એક કાર તેનું પાયલોટીંગ કરતી હોવાની બાતમી મળતા સરા-ધ્રાંગધ્રા રોડ પર વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી કાર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી વાવ થરાદ જિલ્લાના લાખાણી તાલુકાના આગથળા ગામનો જીજ્ઞેશગીરી ભરતગીરી ગોસ્વામી, ગેલા ગામનો ગણપતગીરી કાલગીરી ગોસ્વામી અને 16 વર્ષીય સગીર મળી આવ્યો હતો. આ ત્રણેયને પુછતા તેઓએ પાછળના ડમ્પરમાં દારૂ હોવાનું જણાવતા પોલીસે રેતી ખાલી કરતા ચોરખાનામાંથી દારૂ મળી આવ્યો હતો. જયારે ડમ્પરનો ચાલક લાખાણીનો દિનેશ રૂપગીરી ગોસ્વામી હતો. ઝડપાયેલ જીજ્ઞેશગીરીએ જણાવ્યુ કે, આ દારૂ તેના પિતા ભરતગીરી જીવગીરી ગોસ્વામીએ ભરી આપ્યો હોવાનું તથા મૂળીના નાડધ્રી ગામના બળવંતસિંહ જીલુભા ઝાલાને આપવાનો હતો. પોલીસે વિદેશી દારૂની 10,068 બોટલ કિંમત રૂ. 40,47,600, ડમ્પર, કાર, રોકડા રૂ. 50 હજાર, 6 મોબાઈલ મળી કુલ રૂ. 61,32,600નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ ચલાવી રહ્યા છે. જયારે દસાડાનો નરેશ રાયસંગભાઈ લેઢવાણીયા તળાવની પાળ પાસે વિદેશી દારૂ વેચતો હોવાની બાતમી મળતા દસાડા પોલીસે રેડ કરી હતી. જેમાં નરેશ વિદેશી દારૂના 12 ચપલા અંદાજિત કિંમત રૂ. 1800 સાથે ઝડપાયો હતો. બીજી તરફ વઢવાણ તાલુકાના મુંજપર ગામેથી 21 વર્ષીય વિશાલ પરસોત્તમભાઈ દુધરેજીયા દારૂના બે ચપલા અંદાજિત કિંમત રૂ. 400 સાથે જોરાવરનગર પોલીસના હાથે પકડાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward