Idar: ઈડર તાલુકાના બરવાવની સીમમાં રમી રહેલા બાળક પર ત્રણ શ્વાનનો હુમલો
ઇડર તાલુકાના બરવાવની સીમમાં રહેતા એક પરિવારનો 4 વર્ષનો પુત્ર કુવા નજીક રમી રહ્યો હતો ત્યારે અચાનક આવેલ એક શ્વાને હુમલા કરતાં માસૂમ બાળક લોહીલુહાણ બની જતાં ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત આ બાળકને સારવાર માટે લઈ જવાયો હતો. આ અંગેની વિગત એવી છે કે, બરવાવ ગામના લાલજીભાઈ વિરસંગભાઈ ચૌધરીના કુવા ઉપર ઘઉં સીઝન દરમિયાન ખેડબ્રહ્મા તાલુકાના સિતોડ ગામના ડાભી સુનિલભાઈ મજૂરી કામ માટે આવ્યા હતા. દરમિયાન બુધવારે સવારે 9 વાગ્યાના સમયે સુનિલભાઈ ખેતરમાં ઘઉં વાઢવાની કામગીરીમાં વ્યસ્ત હતા. ત્યારે તેમનો 4 વર્ષનો દીકરો મનોજ કુવા પાસે રમતો હતો આજ વખતે અચાનક ત્રણ રખડતા શ્વાનનું ટોળુ આવી ચઢી આવ્યું હતું અને રમતા બાળક પર હુમલો કર્યો હતો. શ્વાનના ટોળાએ બાળકના માથા અને પગના ભાગે બચકા ભરતાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ઈજાને કારણે આ બાળકની ચીસો સાંભળતા નજીકમાં કામ કરતા તેના પિતા સુનિલભાઈ તથા અન્ય મજૂરો તરત જ દોડી આવ્યા હતા અને હિંમતપૂર્વક બાળકને શ્વાન પાસેથી છોડાવ્યો હતો. જોકે લોકો આવી પહોંચતા ગભરાયેલું શ્વાનનું ટોળુ ભાગી ગયું હતું. ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકને તરત જ ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, બાળકને શ્વાનના બચકા વધારે પ્રમાણમાં લાગ્યા હોવાથી તેની હાલત ગંભીર જણાતા તબીબોએ વધુ સારવાર માટે તેને હિંમતનગર હોસ્પિટલમાં રિફર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાન તથા અબોલા પશુઓ ગમે ત્યારે હુમલો કરે છે ત્યારે લોકો અજાણતાથી ભોગ બને છે જેથી આમ પ્રજાએ આવા હુમલાખોર ચોપગા પ્રાણીઓથી સાવચેતી રાખવી અનિવાર્ય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward