calendar_today
March 10, 2026
CM ભૂપેન્દ્ર પટેલની સરકારના વિઝનરી બજેટથી ગુજરાત વૈશ્વિક ઔદ્યોગિક નકશા પર નવી ઊંચાઈઓ સર કરશે: મંત્રી જીતુ વાઘાણી
વિધાનસભા ગૃહમાં આજે ઉદ્યોગ અને ખાણ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા, ઉદ્યોગ મંત્રી વતી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અગાઉના શાસનમાં યુવાનો પાસે સુવિધાઓ નહોતી અને ઉદ્યોગપતિઓ પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સરકારે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે તિજોરીના દ્વાર ખોલી નાખ્યા છે.રૂપિયા 23,000 કરોડથી વધુનું માતબર આયોજન કરવામાં આવ્યું
તેમણે ગૃહમાં વર્ષ 2026-27ના બજેટની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂપિયા 13,942 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રવાસન, રમતગમત અને યુવક સેવા સાંસ્કૃતિક સહિતના સંલગ્ન વિભાગો માટે કુલ મળીને રૂપિયા 23,000 કરોડથી વધુનું માતબર આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના ભાવિ વિકાસનો મજબૂત રોડમેપ છે.
MSME એકમોમાં રૂપિયા 38,000 કરોડથી વધુનું રોકાણ આવ્યું
રાજ્યની આર્થિક કરોડરજ્જુ સમાન MSME એકમો માટે રાજ્ય સરકારે 'આત્મનિર્ભર ગુજરાત સ્કીમ' હેઠળ રૂપિયા 1,775 કરોડ ફાળવ્યા છે, જે ઉદ્યોગ સાહસિકોને મૂડી અને વ્યાજ સહાય પૂરી પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને મંત્રીએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે વર્ષ 2025-26માં જ MSME એકમોમાં રૂપિયા 38,000 કરોડથી વધુનું રોકાણ આવ્યું છે અને 1.40 લાખથી વધુ નવી રોજગારીઓ ઊભી થઈ છે. તેવી જ રીતે, ગુજરાતના ગૌરવ સમાન કાપડ ઉદ્યોગને વૈશ્વિક કક્ષાએ લઈ જવા રૂપિયા 2,755 કરોડ ફાળવાયા છે, જેના ફળસ્વરૂપે કાપડ ક્ષેત્રે રૂપિયા 18,000 કરોડનું મૂડી રોકાણ અને 50,000 યુવાનોને રોજગારી પ્રાપ્ત થઈ છે. મોટા ઉદ્યોગોમાં પણ રૂપિયા 63,000 કરોડના રોકાણ સાથે 2.50 લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરીને રાજ્ય સરકારે રોજગારના ક્ષેત્રે વિપક્ષની ટીકાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે.
CCTV અને EV ચાર્જિંગ જેવી સુવિધાઓ હશે
સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર ક્રાંતિ અને ધોલેરા ‘સેમિકોન સિટી’ સંદર્ભે ગૃહમાં મંત્રી વાઘાણીએ કહ્યું કે, GIDC વસાહતોને આધુનિક બનાવવાની દિશામાં રાજ્ય સરકારે 120 નાની વસાહતોના નવીનીકરણ માટે રૂપિયા 50 કરોડ અને માંડલ-દહેજ જેવી 10 વસાહતોને 'સ્માર્ટ અને ગ્રીન ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ'માં રૂપાંતરિત કરવા વધુ રૂપિયા 50 કરોડની જોગવાઈ કરી છે, જ્યાં CCTV અને EV ચાર્જિંગ જેવી સુવિધાઓ હશે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે અને ધોલેરામાં ટાટા ઈલેક્ટ્રોનિક્સ દ્વારા રૂપિયા 91,000 કરોડના રોકાણ સાથે દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. ધોલેરાને 'સેમિકોન સિટી' બનાવવા માટે ત્યાં સ્કૂલ, હોસ્પિટલ અને આવાસ જેવી પાયાની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. પર્યાવરણની રક્ષા માટે અંકલેશ્વર અને સાયખામાં ડીપ-સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ્સ પણ પૂર્ણતાના આરે છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકાર 5 નવા 'ટ્રાઈબલ ઔદ્યોગિક પાર્ક' સ્થાપવા જઈ રહી છે. વનબંધુ ઈન્ક્યુબેશન અને કૌશલ્ય વર્ધન જેવી યોજનાઓ દ્વારા આદિવાસી યુવાનોને રૂપિયા 2 લાખ સુધીની આર્થિક સહાય આપી ઉદ્યોગ સાહસિક બનાવવામાં આવશે. મહિલા કામદારો માટે ઔદ્યોગિક વસાહતોમાં 'વુમન્સ હોસ્ટેલ' અને આંગણવાડીની સુવિધાઓ ઊભી કરવા વિશેષ ફંડ ફાળવાયું છે. મંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં હવે 'ઈન્સ્પેક્ટર રાજ'નો અંત આવી ગયો છે. જેને વધુ મક્કમતાથી અમલમાં લાવવા માટે રાજ્ય સરકારે 'ગુજરાત જન વિશ્વાસ અધિનિયમ 2025' પસાર કરી 11 કાયદાઓની 516 જોગવાઈઓને ગુનારહિત (Decriminalize) કરી છે, જેથી વેપારીઓ ભયમુક્ત રીતે વ્યવસાય કરી શકે.
કુટિર ઉદ્યોગમાં ગુજરાત સરકારે વિશ્વમાં ડંકો વગાડ્યો
સ્ટાર્ટઅપ અને કુટિર ઉદ્યોગમાં ગુજરાત સરકારે વિશ્વમાં ડંકો વાગ્યો છે તેમ જણાવતા મંત્રીએ ગૌરવભેર જણાવ્યું કે, નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત પાંચમી વખત દેશમાં 'બેસ્ટ પર્ફોમર' જાહેર થયું છે. રાજ્યમાં 16,000થી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે, જેને સરકાર દ્વારા માસિક સસ્ટેનન્સ એલાઉન્સ અને સીડ સપોર્ટ આપવામાં આવે છે. છેવાડાના માનવી અને કારીગરો માટે કુટિર ઉદ્યોગ પ્રભાગમાં રૂપિયા 979 કરોડની ફાળવણી કરાઈ છે, જેમાં વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ રૂપિયા 494 કરોડની સબસિડીનો સમાવેશ થાય છે. હવે ગુજરાતના પરંપરાગત કારીગરોનો માલ ઈ-કોમર્સના માધ્યમથી વિશ્વના બજારો સુધી પહોંચશે.
આ પણ વાંચો : Iran Israel War: આયત નિકાસના વેપાર પર યુદ્ધની મોટી અસર, બે હજાર કાર ચેન્નાઇ બંદર પર પરત લાવવા કવાયત
Read Full Story
arrow_forward