Rajkot: વિંછીયામાં બની વધુ એક શરમજનક ઘટના, 5 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર સ્કૂલવાન ચાલક ઝડપાયો
જસદણ પંથકમાં હજુ હમણાં જ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે, ત્યાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વિંછીયા પંથકના એક ગામમાં માસૂમ બાળકીની સુરક્ષા માટે રાખવામાં આવેલી સ્કૂલવાનના 50 વર્ષીય ચાલકે જ બાળકી સાથે અડપલાં કર્યા હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. બાળકીની ઉદાસીએ ખોલ્યો ભેદ. વિંછીયા પંથકમાં રહેતી 5 વર્ષની બાળકી દરરોજ સ્કૂલવાનમાં શાળાએ જતી હતી. છેલ્લા થોડા દિવસોથી બાળકી અચાનક ઉદાસ રહેવા લાગી હતી. ગઈકાલે સવારે જ્યારે બાળકીએ રડતા-રડતા શાળાએ જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, ત્યારે પરિવારજનોને શંકા ગઈ હતી. વાલીઓએ જ્યારે પ્રેમથી પૂછપરછ કરી ત્યારે માસૂમ બાળકીએ સ્કૂલવાન ચાલક કાળુભાઈ ચાંવ (ઉ.વ. 50) દ્વારા કરવામાં આવતા શારીરિક અડપલાંની આપવીતી વર્ણવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી. બાળકીની વાત સાંભળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને તાત્કાલિક વિંછીયા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વિંછીયા પોલીસ મથકના PI એ.સી. ડામોર અને તેમની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી હતી. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી કાળુભાઈ ચાંવને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો. આ ઘટનાએ ફરી એકવાર વાલીઓ માટે ચિંતા જગાવી છે. જસદણ પંથકમાં દીકરીઓ વિરુદ્ધ વધતા ગુનાખોરીના ગ્રાફ વચ્ચે પોલીસે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના બાળકોના વર્તનમાં આવતા ફેરફાર પ્રત્યે સતર્ક રહે. આ પણ વાંચોઃ Banaskantha : ડીસામાં 25મીએ રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, નવા સામાજિક બંધારણનું અમલીકરણ કરાશે
Read Full Story arrow_forward