android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Khambhat : કબડ્ડી ખેલાડીએ ઈંગ્લેન્ડમાં ડંકો વગાડયો
calendar_today September 18, 2026

Khambhat : કબડ્ડી ખેલાડીએ ઈંગ્લેન્ડમાં ડંકો વગાડયો

રમત ગમતની કોઈ સીમા હોતી નથી અને પ્રતિભા હોય તો ખેલાડી દેશ-વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે. ખંભાત તાલુકાના જલુધ ગામના વતની અને હાલ લંડનમાં સ્થાયી થયેલા કબડ્ડી ખેલાડી સંજય ઠાકોરે આ વાતને સાકાર કરી બતાવી છે. ઇંગ્લેન્ડ ખાતે યોજાયેલી ઇંગ્લેન્ડ નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં લુટોન બંગાલ ટાઈગર ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરી ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો છે. આ વિજયમાં સંજય ઠાકોરે ટીમના વાઈસ કેપ્ટન તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. ઇંગ્લેન્ડ નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં લુટોન બંગાલ ટાઈગર, મિડલેન્ડ્સ વોરિયર્સ, માન્ચેસ્ટર રાઈડર્સ સહિતની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધાની શરૂઆતથી જ લુટોન બંગાલ ટાઈગરના ખેલાડીઓએ મજબૂત રમત સાથે પોતાની ક્ષમતા પુરવાર કરી હતી. દરેક મુકાબલામાં ટીમના ખેલાડીઓએ એક સૂત્રતા અને ઉત્સાહ સાથે રમત રમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. ફાઈનલ મુકાબલામાં પણ ટીમે દમદાર પ્રદર્શન જાળવી રાખી વિજય મેળવ્યો હતો અને અંતે ચેમ્પિયનશિપની ટ્રોફી પોતાના નામે કરી હતી.ખાસ નોંધપાત્ર બાબત એ છે કે વિજેતા ટીમના નેતૃત્વમાં ગુજરાતનો મજબૂત નાતો જોવા મળ્યો હતો. કોડીનારના મૂળ વતની અને હાલ લંડનમાં સ્થાયી થયેલા કુલદીપસિંહ વાળા ટીમના કેપ્ટન હતા, જ્યારે ખંભાત તાલુકાના જલુધ ગામના વતની સંજય ઠાકોર વાઈસ કેપ્ટન તરીકે ટીમ સાથે જોડાયેલા હતા. સંજય ઠાકોરે ટીમના નેતૃત્વમાં મહત્વની ભૂમિકા ભજવી સમગ્ર સ્પર્ધા દરમિયાન સાથી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિદેશની ધરતી પર ગુજરાત અને ખાસ કરીને ખંભાત પંથકના ખેલાડીએ કબડ્ડીના મેદાનમાં મેળવેલી આ સફ્ળતાથી જલુધ ગામ સહિત સમગ્ર ખંભાત તાલુકામાં ગૌરવની લાગણી પ્રસરી છે. ગુજરાતના બે રમતવીરોના નેતૃત્વ હેઠળ લુટોન બંગાલ ટાઈગર ટીમે ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન બની ગુજરાતનું નામ રોશન કરતાં રમત પ્રેમીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. સંજય ઠાકોરની આ સિદ્ધિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. વિજેતા ટીમને ઇંગ્લેન્ડ કબડ્ડી એસોસિયેશનના પ્રમુખ અશોકદાસ, મેનેજર સુશીલકુમાર સહિત સમર્થકો, શુભેચ્છકો અને રમતપ્રેમીઓએ અભિનંદન પાઠવી ટીમના તમામ ખેલાડીઓ તથા ખાસ કરીને ગુજરાતના બંને રમતવીરોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari : કરાડી ગામ તેમજ ગાંધી સ્મૃતિ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા કવાયત
calendar_today September 18, 2026

Navsari : કરાડી ગામ તેમજ ગાંધી સ્મૃતિ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા કવાયત

જલાલપોર તાલુકાના ઐતિહાસિક કરાડી ગામની કલેક્ટર મનીષ ગુરવાનીએ મુલાકાત લઇ ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડયું હતું.કલેક્ટરે કરાડી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ નાગરિકોને મળતી પાયાની સુવિધાઓની સમીક્ષા કરી હતી. જેમાં ગામમાં રેશનિંગ (પુરવઠા)ની દુકાન અને સેવાઓ અંગે ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ સાથે નવનિર્મિત ગાંધી સ્મૃતિ મંદિરની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીના જીવન અને રાષ્ટ્રનિર્માણના યોગદાનને ઉજાગર કરતા આ સ્થળના યોગ્ય સંચાલન અંગે ચર્ચા કરી હતી. ગામમાં આવેલા ગાંધી ઘાટ તળાવનો વિકાસ અને આસપાસ બેસવાની વ્યવસ્થા, પેવર બ્લોક માર્ગ અને વૃક્ષારોપણ જેવી સુવિધાઓ વધારવા ખાસ સૂચનો કરી ગાંધી સ્મૃતિ મંદિર અને ગાંધી ઘાટ તળાવના સુઆયોજિત વિકાસથી આ સમગ્ર વિસ્તારને એક આકર્ર્ષક પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અને ભવિષ્યમાં આ સ્થળનો સમાવેશ ગુજરાત ટુરિઝમના નકશામાં થાય તે દિશામાં દરખાસ્ત અને આયોજન તૈયાર કરવા તેમણે સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.આ નિરીક્ષણ વેળાએ નવસારી પ્રાંત અધિકારી તૃપ્તિ પટેલ, જલાલપોર મામલતદાર ઇસરાની સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana :6 કલાક મેઘરાજાની મહેર, અડધાથી બે ઇંચ સુધી વરસાદ
calendar_today September 18, 2026

Mahesana :6 કલાક મેઘરાજાની મહેર, અડધાથી બે ઇંચ સુધી વરસાદ

મહેસાણા જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે એકાએક પુનઃ આગમન કર્યું હતું.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહી મુજબ જિલ્લામાં અડધો ઇંચથી બે ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો.શુક્રવાર સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન એટલે કે 6 કલાકમાં જિલ્લાના ખેરાલુ પંથકમાં સૌથી વધારે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.તેને લઇ શહેર અને તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.આ ઉપરાંત મહેસાણામાં બે ઈંચ જેટલો જ્યારે વિજાપુરમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.જ્યારે જોટાણા,કડી,વિસનગરમાં દોઢ ઈંચ તો ઊંઝા અને વડનગરમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જિલ્લામાં સામાન્ય તેમજ હળવો વરસાદ વરસ્યો હતો.મહેસાણા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રાજ્ય પર સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશન તેમજ વરસાદી સિસ્ટમ પગલે મહેસાણા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી.ઉક્ત આગાહી ગુરુવાર રાત્રીથી વરસાદી વાતાવરણ સર્જાયું છે.તો શુક્રવાર સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.જેમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી જિલ્લાના કેટલાક સ્થળોએ હળવો તો ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો.જિલ્લામાં ચાર દિવસના વરસાદના વિરામ બાદથી જિલ્લાવાસીઓ ગરમી અને બફારાથી ભારે તૌબા પોકારી ઉઠયા હતા.ત્યારે શુક્રવાર સવારથી વરસાદના પુનઃ આગમનથી વાતાવરણ આહલાદક બનવા સાથે ઠંડક પ્રસરી હતી.તો પુનઃ મેઘરાજાએ જિલ્લામાં પધરામણી કરી સાર્વત્રિક હેત વરસાવ્યું હતું.વરસાદ પગલે જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો ત્રસ્ત થયા હતા.તો ખેતરોમાં પાણી વિના મુરજાઈ રહેલા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં હર્ષ છવાયો હતો. રાજ્ય પર સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશન પગલે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 24 કલાક દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જિલ્લામાં શુક્રવાર સવારથી બપોર સુધી ખેરાલુ,મહેસાણા,વિજાપુરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો.જેને લઇ તમામ પંથકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward