Chhota Udepur: રામપુર- કલેડિયા ખાતે હનુમાનદાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટશે
પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિના આરે છે ત્યારે શ્રાવણના અંતિમ શનિવારે નસવાડી તાલુકો દાદા હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તિરસમાં સરાબોર થવા સજ્જ બન્યો છે. પવનપુત્રના આશીર્વાદ મેળવવા અને દાદાની આરાધનામાં લીન થવા માટે સમગ્ર તાલુકામાં અનેરો ઉત્સાહ અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો છે.તાલુકાના જાગૃત અને શ્રદ્ધાના કેન્દ્ર સમા રામપુરી સ્થિત નવજ્યોતિ હનુમાનજી મંદિર તેમજ કલેડિયા સ્થિત પરમ પવિત્ર પાંડેશ્વરી હનુમાનજી મંદિર ખાતે આ મહાપર્વે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ઉમટી પડશે. આ પાવન પ્રસંગે બંને ધામમાં ભવ્ય ભજન સંધ્યા અને મહાપ્રસાદના વિરાટ ભંડારાનું વિશિષ્ટ આયોજન કરાયું છે, જ્યાં દરેક ભક્ત દાદાના પ્રસાદની સાથે ધન્યતાનો અનુભવ કરશે.વિશેષરૂપે, રામપુરીના નવજ્યોતિ હનુમાનજી મંદિર પરિસરમાં સાંજના સુમધુર સમયે 'શ્રી રામ સુંદરકાંડ પરિવાર' દ્વારા પ્રભુ શ્રીરામ અને હનુમાનજીના ગુણગાન ગાતા સંગીતમય સુંદરકાંડ પાઠનું દિવ્ય આયોજન હાથ ધરાયું છે. સંગીતના સૂર, ઢોલક-તાલ અને ભક્તોના હૃદયમાંથી નીકળતા રામનામ સ્મરણ સાથે સમગ્ર વાતાવરણ દિવ્ય ઊર્જા અને ભક્તિથી ઝંકૃત થઈ ઊઠશે.શ્રાવણના અંતિમ શનિવારે યોજાનાર આ ધાર્મિક મહોત્સવમાં રામનામ, સુંદરકાંડના પાઠ, ભજન-કીર્તન અને મહાપ્રસાદનો અલૌકિક સંગમ જોવા મળશે. ભક્તિ અને આસ્થાના આ પાવન માહોલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward