Khambhat : મેળામાં ચકડોળના ટિકીટ દરમાં વધારો નહીં
ખંભાતના પરંપરાગત દિવાળી લોકમેળામાં ચકડોળના ટિકિટદરને લઈને શહેરીજનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ચકડોળ ગ્રાઉન્ડની હરાજી મેળવનાર 20 વર્ષનો અનુભવ ધરાવતી વિશ્વા એમ્યુઝમેન્ટના સંચાલકે આ વર્ષે ચકડોળના ટિકિટના દરમાં કોઈ વધારો નહીં કરવાની જાહેરાત કરી છે. નવી ચૂંટાયેલી નગરપાલિકાની પાંખ દ્વારા ચકડોળના દર ઘટાડવા માટે સંચાલકોને જણાવવામાં આવ્યું હતું. આ રજૂઆત અને વર્તમાન મોંઘવારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૃણાલ ભટ્ટે ગત વર્ષના જ દર ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. પરિણામે આ વર્ષે પણ ચકડોળની ટિકિટ રૂ. 30, રૂ. 50 અને રૂ. 70ના દરે જ ઉપલબ્ધ રહેશે. મોંઘવારીના સમયમાં ટિકિટના ભાવમાં વધારો નહીં કરવાનો આ નિર્ણય લોકમેળામાં આવતા બાળકો અને પરિવારો માટે રાહતરૂપ બની શકે છે. 15 ઓક્ટોબરના રોજ ખંભાત પાલિકા ભવન ખાતે યોજાયેલી ચકડોળ ગ્રાઉન્ડની પુનઃહરાજી પણ ભારે ચર્ચામાં રહી હતી. આશરે 10 ચકડોળ સંચાલકોની હાજરીમાં પાલિકા અને સંચાલકો વચ્ચે લગભગ ચાર કલાક સુધી ભાવને લઈને રકઝક ચાલી હતી. રૂ. 43 લાખની બોલી બાદ હરાજી અટકી જતાં અનિશ્ચિતતા સર્જાઈ હતી. નગરપાલિકા ગત વર્ષની જેમ ઓછામાં ઓછા રૂ. 48 લાખની હરાજી રકમ મેળવવા માગતી હતી. જોકે, લાંબી ચર્ચા બાદ વિશ્વા એમ્યુઝમેન્ટના કૃણાલભાઈ ભટ્ટે રૂ. 43.51 લાખની બોલી લગાવી હતી, જેને અંતે મંજૂરી મળતાં હરાજી ફાઇનલ થઈ હતી. 18 ટકા જીએસટી સહિત કુલ રકમ રૂ. 51.34 લાખ થઈ હતી. આ હરાજી અગાઉ પણ ચકડોળ ગ્રાઉન્ડનો મામલો ચર્ચામાં રહ્યો હતો. અગાઉ ફ્રિોજભાઈ મુલતાનીએ રૂ. 65 લાખની ઊંચી બોલી લગાવી હતી, પરંતુ નિયત સમયમર્યાદામાં જરૂરી 50 ટકા રકમ ભરવામાં નહીં આવતાં તેમની રૂ. 2 લાખની ડિપોઝિટ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ પુનઃહરાજી યોજાઈ હતી. ગત વર્ષે ચકડોળ ગ્રાઉન્ડની હરાજી રૂ. 48 લાખ ઉપરાંત 18 ટકા જીએસટી સાથે થઈ હોવાનું જાણવા મળે છે. આ વર્ષની મૂળ હરાજી રકમ ઓછી હોવા છતાં અગાઉની જપ્ત ડિપોઝિટને ગણતરીમાં લેતાં નગરપાલિકાની આવકમાં અંદાજે રૂ. 3 લાખનો તફાવત રહેતો હોવાનું પ્રાથમિક ગણતરી પરથી જણાય છે. ચકડોળ ગ્રાઉન્ડની હરાજી મેળવ્યા બાદ વિશ્વા એમ્યુઝમેન્ટના કૃણાલભાઈ ભટ્ટે ટિકિટના ભાવ નહીંવધારવાનો નિર્ણય જાહેર કરતાં હવે લોકમેળામાં આવતા પરિવારોની અપેક્ષાઓ વધી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward