ડ્રગ્સ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક : 1.50 લાખના ગાંજા સાથે આઠ પેડલરો જેલભેગા
સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં નાર્કોટીક્સની બદીને નેસ્તનાબૂદ કરવા અને ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરો વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આઇ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેઇન્સ્ટ ડ્રગ્સ કેમ્પેઇન હેઠળ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમો દ્વારા 7 જૂને 2026નાં રોજ વિવિધ સ્થળે રેઈડ કરી આઠને ઝડપી પાડયા હતા. સાથે જ તેમની પાસેથી ત્રણ કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો હતો.પ્રથમ ઘટનામાં પલસાણા તાલુકાનાં તાતીથૈયા ખાતે આવેલા ધારા પેલેસમાં રહેતા 19 વર્ષીય ધોની રાજબિહારી પાઠકને 212 ગ્રામ ગાંજા સાથે ઝડપી લેવાયો હતો. આ કિસ્સામાં ગાંજાની કિંમત 10 હજાર 500 રૂપિયા થાય છે. જ્યારે કડોદરા વિસ્તારમાંથી જ મૂળ બિહારનાં અને હાલ ભગુનગર સોસાયટીમાં રહેતા 58 વર્ષીય મહેન્દ્ર બતહન ચૌપાલને 148 ગ્રામ ગાંજા સાથે ઝડપી લેવાયો હતો. આ કિસ્સામાં ગાંજાની કિંમત 7 હજાર 450 રૂપિયા છે અને આ આરોપી એક માસ અગાઉ પણ કડોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનાં ગુનામાં પકડાઇ ચૂક્યો છે. આ ઉપરાંત ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં સાયણ ગામ પાસે આવેલા શિવ કોમ્પ્લેક્ષમાં રહેતા 23 વર્ષીય શશીકાંત અજયકુમાર શાહ ગુપ્તા, વ્રજવાટીકા એપાર્ટમેન્ટમાં રહેતા 27 વર્ષીય સુનિલ મહેશસિંહ તોમર અને સાંઇ શ્રદ્ધા કોમ્પ્લેક્ષમાં રહેતા 24 વર્ષીય નુતન રાજેન્દ્ર મહંતીને 1 કિલો 827 ગ્રામ ગાંજાનાં જથ્થા સાથે ઝડપી લેવાયો હતો. અહીં આરોપી પાસેથી 1.03 લાખનો ગાંજો કબજે કરાયો હતો. આ જ પ્રકારે કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા નવી પારડી ગામના સોની ફળિયામાં રહેતા 24 વર્ષીય મજૂર અતુલ પરષોત્તમ વસાવાને 235 ગ્રામ ગાંજા સાથે અને નાગોડ ગામનાં બસ સ્ટેશન ફળિયામાં રહેતા 72 વર્ષીય ધિરજ ઇશ્વર રાઠોડને 240 ગ્રામ ગાંજાનાં જથ્થા સાથે પકડી પડાયો હતો. વધુમાં પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં સૂર્યાંશી રેસીડેન્સીમાં રહેતા 19 વર્ષીય મજૂર શિવકુમાર નંદુ યાદવને 125 ગ્રામ ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે પાલોદ પોલીસ મથક દ્વારા માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે ખાંડસરી ફળિયામાં રહેતી 71 વર્ષીય વિધવા મહિલાને 180 ગ્રામ ગાંજા સાથે ઝડપી લેવામાં આવી હતી. આ તમામ સાત દરોડા દરમ્યાન પોલીસે કુલ આઠ આરોપીઓ પાસેથી 3 કિલો 58 ગ્રામ ગાંજો કબ્જે કર્યો છે, જેની કિંમત 1.50 લાખ થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward