ભારતમાં ઇબોલાનો ખતરો? યુગાન્ડાથી બેંગલુરુ પરત ફરેલી મહિલામાં દેખાયા લક્ષણો, સરકાર એલર્ટ
આફ્રિકાના યુગાન્ડા અને કોંગો જેવા દેશોમાં ઇબોલા વાયરસના કેસો સતત વધી રહ્યા છે, જેણે હવે ભારતની પણ ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ યુગાન્ડાથી ભારત પરત ફરેલી એક મહિલામાં ઇબોલા વાયરસ જેવા પ્રાથમિક લક્ષણો જોવા મળતા સ્વાસ્થ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. સાવચેતીના પગલા તરીકે, આ મહિલાને બેંગલુરુની એક સરકારી હોસ્પિટલ (એપિડેમિક ડિસીઝ હોસ્પિટલ)માં ખાસ દેખરેખ હેઠળ આઇસોલેટ (અલગ) કરવામાં આવી છે. જોકે, સત્તાવાર રીતે હજુ સુધી મહિલામાં ઇબોલાના ચેપની પુષ્ટિ થઈ નથી. મહિલામાં દેખાયા ઇબોલા વાયરસના લક્ષણો મળતી માહિતી મુજબ, આ મહિલાને શરીરમાં માત્ર હળવો દુખાવો થઈ રહ્યો છે અને અન્ય કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. હાલમાં તેની સ્થિતિ સામાન્ય અને સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ, તે ઇબોલા પ્રભાવિત વિસ્તારમાંથી મુસાફરી કરીને આવી હોવાથી તબીબો કોઈ જોખમ લેવા માંગતા નથી. મહિલાના લોહીના નમૂના (બ્લડ સેમ્પલ્સ) મેળવીને તાત્કાલિક પરીક્ષણ માટે પુણેની પ્રતિષ્ઠિત 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી' (NIV) ખાતે મોકલી દેવામાં આવ્યા છે, જેના રિપોર્ટની હાલ રાહ જોવાઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય સંપૂર્ણપણે એલર્ટ મોડ પરઆ ઘટના સામે આવ્યા બાદ ભારત સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલય સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયા છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં હજુ સુધી ઇબોલા વાયરસના એક પણ કેસની પુષ્ટિ થઈ નથી, તેથી નાગરિકોએ ગભરાવાની કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ડરવાની જરૂર નથી. એરપોર્ટ અને અન્ય પ્રવેશદ્વારો પર પૂરતી સ્ક્રીનીંગ અને મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કર્ણાટક સ્વાસ્થ્ય વિભાગે એડવાયઝરી કરી જાહેર બીજી તરફ, કર્ણાટક સ્વાસ્થ્ય વિભાગે આફ્રિકન દેશોની મુસાફરી કરીને પરત ફરતા લોકો માટે એક ખાસ એડવાઇઝરી જારી કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, પ્રભાવિત દેશોમાંથી આવતા પ્રવાસીઓએ ભારત આવ્યા બાદ 2 દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ (Self-monitoring) કરવાનું રહેશે. જો આ સમયગાળા દરમિયાન તાવ અથવા શરીરમાં દુખાવો જેવા કોઈ પણ લક્ષણો દેખાય, તો તેમણે તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો પડશે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે સરકારી સ્તરે ક્વિક રિસ્પોન્સ ટીમ (RRT) પણ તૈનાત કરવામાં આવી છે, જે સતત સર્વેલન્સની કામગીરી સંભાળી રહી છે. નાગરિકોને માત્ર સત્તાવાર અને સરકારી માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Rajasthan વાસીઓને 1 જૂને નહીં મળે પેટ્રોલ ડીઝલ! પંપ સંચાલકોનું હડતાળનું એલાન
Read Full Story arrow_forward