Surat News: લોકોની અનેક ફરિયાદો છતાં આંખ આડા કાન, મંત્રીની કાર પર પથ્થર પડતા જ 8 ડમ્પર ડિટેઈન
સુરતનાં લસકાણા વિસ્તારમાં મંત્રીની કાર ઉપર પથ્થર પડતા તેમણે તાત્કાલિક સ્થળ પર જ ઉભા રહીને કાયદાનું ઉલ્લંઘન કરનારા ૮ જેટલા ડમ્પરોને પોલીસ પાસે જપ્ત કરાવીને આકરો દંડ ફટકારવાની કાર્યવાહી કરાવી હતી. સુરત શહેરમાં બેફામ ગતિએ દોડતા અને ટ્રાફિકનાં નિયમોને નેવે મૂકીને ખુલ્લામાં માટી તેમજ રેતીનું વહન કરતા ડમ્પર ચાલકો સામે કામરેજનાં ધારાસભ્ય અને રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કડક વલણ અખત્યાર કર્યું હતું. 8 ડમ્પરોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ ધારાસભ્ય અને રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા જ્યારે લસકાણા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની કારની આગળ જઈ રહેલા એક ઓવરલોડ ડમ્પરમાંથી માટી અને પથ્થર અચાનક તેમની કાર ઉપર પડ્યા હતા.આ ઘટનાનાં પગલે મંત્રીએ તાત્કાલિક પોતાનો કાફલો રોકાવ્યો હતો અને તપાસ કરતા માલૂમ પડયું હતું કે ડમ્પર પર કોઇ પણ પ્રકારની તાડપત્રી ઢાંક્યા વિના માટીની હેરફેર કરવામાં આવી રહી હતી.આ બેદરકારીનાં કારણે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી અન્ય વાહન ચાલકોની સુરક્ષા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સૂચના આપતા લસકાણા પોલીસની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને સધન ચેકિંગ હાથ ધરી નિયમ વિરૂદ્ધ દોડતા 8 ડમ્પરોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તમામ ભારે વાહનોનું ચુસ્ત ચેકિંગ કરવામાં આવશે મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ડમ્પર એસોસિએશન અને સંચાલકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકાર કોઈના રોજગારની વિરોધી નથી પરંતુ ધંધાનાં નામે જનતાની સુરક્ષા જોખમાવી જોઇએ નહીં. વિકાસનાં કાર્યો માટે માટી અને રેતીનું વહન અનિવાર્ય છે પરંતુ તે નિયમ મુજબ સંપૂર્ણ ઢાંકીને જ કરવું જોઇએ. આગામી દિવસોમાં સુરત શહેરમાં પ્રવેશતા તમામ ભારે વાહનોનું ચુસ્ત ચેકિંગ કરવામાં આવશે અને જો વાહન ચાલકો કાયદો તોડશે તો વાહન કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોટા વાહનોને પહેલી લેનમાં ચલાવવા પર પ્રતિબંધ હોવા છતાં મોટાભાગના વાહનો પહેલી લેનમાં જ ચાલે છે. સાથે સાથે શહેરમાં પ્રવેશવાના નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન કરતા હોવા છતા તંત્ર દ્વારા ફરિયાદ આવે ત્યારે દેખાડો કરવા પૂરતી કામગીરી કરવામાં આવે છે. ડમ્પરમાંથી પથ્થર પડતા તરત પગલા લેવાયા ત્યારબાદ પરિસ્થિતિ જૈસે થે તેવી થઈ જવાને લીધે અનેક લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે. લોકો ભારે આક્રોશ સાથે લાંબા સમયથી તંત્રને ફરિયાદ કરી રહ્યા છે કે, હાઈવે પરથી રોજ સેંકડો ડમ્પર ચાલકો બેફામ દોડી રહ્યા છે. પરંતુ આટીઓ તંત્ર કે પોલીસ તંત્ર કોઈ પગલા લેતું નથી. ડમ્પરમાંથી ખનીજ પડવાથી પાછળ આવતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. જ્યારે ટુકોમાંથી માટી-રેતી કે પથ્થર પડે ત્યારે અચાનક બ્રેક મારવાને કારણે વધતા અકસ્માતોમાં કાર કે ટુ-વ્હીલ ચાલકો જીવ ગુમાવી રહ્યા છે. માત્ર થોડા રૂપિયાની તાડપત્રી બચાવવા માટે ડમ્પર સંચાલકો નિર્દોષ નાગરિકોનાં જીવ સાથે રમત રમી રહ્યા છે. આવા ખુલ્લા ડમ્પરો રસ્તા પર યમદૂત સમાન સાબિત થાય છે. છતાં ગંભીર પ્રશ્ને તંત્ર દ્વારા તાડતત્રી ઢાંક્યા વિનાના, ઓવરલોડ કે રોયલ્ટી ચોરી કરતા ડમ્પર ચાલકો સામે કોઈ કાર્યવાહી કરાતી નથી, આજે મંત્રીની કાર પર ડમ્પરમાંથી પથ્થર પડતા તરત પગલા લેવાયા આવું કેમ? આ પણ વાંચોઃ Ahmedabad News: બે દિવસમાં હેલ્મેટ વિના ફરતા 107 સરકારી કર્મી સહિત 2830 વાહનચાલકો ઝડપાયા
Read Full Story arrow_forward