Gandhinagar : ગુજરાત પોલીસ હવે સાયબર માફિયાઓ પર ત્રાટકશે, DGP કે.એલ.એન રાવે આપ્યો 'પ્રોએક્ટિવ' લડતનો મંત્ર
ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ફ્રોડ અને ઓનલાઇન ઠગાઈના બનાવોને ડામવા માટે ગુજરાત પોલીસ હવે રક્ષણાત્મક નહીં પણ આક્રમક અભિગમ અપનાવશે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ મહાનિદેશક (DGP) ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરોને સાયબર ગુનેગારો સામે ટેકનોલોજીના શસ્ત્રથી લડવા ખાસ માર્ગદર્શન અપાયું હતું. ડિજિટલ ફ્રોડ અંગે વિસ્તૃત ચર્ચા DGP ડૉ. રાવે બેઠકમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, સાયબર ગુનાઓમાં ગુનેગાર હંમેશા ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક ડગલું આગળ રહેવાનો પ્રયાસ કરે છે, ત્યારે પોલીસે 'પ્રોએક્ટિવ અભિગમ' કેળવીને ગુનો બને તે પહેલા જ તેને રોકવા અથવા બન્યા બાદ ત્વરિત કાર્યવાહી કરવી અનિવાર્ય છે. બેઠકમાં ડિજિટલ ફ્રોડ, સોશિયલ મીડિયાના ગુનાઓ અને નવી મોડસ ઓપરેન્ડી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પીડિતોને નાણાં પરત અપાવવા પર ભાર બેઠક દરમિયાન સાયબર હેલ્પલાઇન 1930ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં ગોલ્ડન અવરમાં ટ્રાન્ઝેક્શન અટકાવી પીડિતોને રિફંડ અપાવવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, ડેટા એનાલિટિક્સ અને ડિજિટલ ફોરેન્સિક્સ જેવા આધુનિક સાધનોના ઉપયોગ દ્વારા રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ એકત્ર કરવા પર ભાર મૂકાયો હતો. શાળાઓ અને કોલેજોમાં જાગૃતિ અભિયાન માત્ર તપાસ જ નહીં, પરંતુ અટકાયત પણ જરૂરી છે તે હેતુથી DGPએ શાળાઓ, કોલેજો અને સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યાપક સાયબર જાગૃતિ અભિયાન ચલાવવા આદેશ આપ્યા છે. નવનિયુક્ત અધિકારીઓને સમયબદ્ધ રીતે ફરિયાદોનો નિકાલ કરવા અને સાયબર સેન્ટરને એક 'આદર્શ કેન્દ્ર' તરીકે વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પણ વાંચો---- Surendranagar : નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે 1.22 કરોડની અપ્રમાણસર મિલકત મળતા ખળભળાટ, ACB એ નોંધ્યો ગુનો
Read Full Story arrow_forward