Himatnagar: કરોડોનો ધુમાડો : લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ ખેડબ્રહ્મા હાઈવેના સેફ્ટી બ્રેકર્સ જમીનદોસ્ત
ખેરોજથી ખેડબ્રહ્મા હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા માટે કરોડો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા રોડ સેફ્ટી બ્રેકર (ડિવાઈડર રિફ્લેક્ટર્સ) લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ બિસમાર હાલતમાં જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે. આગિયા ગામ પાસે તાજેતરમાં જ લગાવવામાં આવેલા આ બ્રેકર્સ જમીન દોસ્ત થઈ જતાં માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે શંકાની સોય તણાઈ રહી છે. લાખો-કરોડોના ખર્ચે થયેલી આ કામગીરી એક મહિનો પણ ટકી શકી નહીં. અનેક જગ્યાએ બ્રેકર્સ તૂટી ગયા છે અથવા આડા પડી ગયા છે, જે હવે સુરક્ષા આપવાને બદલે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. સ્થાનિકો લોકોમાં ચર્ચા છે કે, આ કામગીરીમાં અત્યંત હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોઈ શકે છે. સરકારી નાણાંનો વેડફટ કરીને માત્ર કાગળ પર કામગીરી બતાવી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની પૂરેપૂરી શક્યતા છે. એક તરફ્ શંકા છે કે, કોઈ અસમાજિક તત્વો દ્વારા જાણી જોઈને નુકસાન કરવામાં આવ્યું હોય શકે, પરંતુ જો મજબૂત ફીટીંગ હોત તો આટલી જલ્દી બ્રેકર્સ ઉખડી ન જાત. આટલી મોટી લાપરવાહી છતાં જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે હજુ સુધી કોઈ કડક તપાસના આદેશ આપવામાં આવ્યા નથી. જેનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોની એક જ માંગ છે કે, આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. જો આ હલકી ગુણવત્તાનું કામ હોય તો જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી તેની પાસેથી રિકવરી કરવામાં આવે.તેવી માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward